જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનનો અંત : શહેરમાં આજથી સફાઈની કામગીરી પુન: શરૂ
ગઈકાલે મોડી સાંજે યોજાયેલી મનપાના શાસકો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચા બાદ નિર્ણય લેવાયો : એક-બે દિવસમાં પ્રતિનિધી મંડળ મુખ્યમંત્રીને રજુઆત કરશે
જૂનાગઢ તા.૧૬
જૂનાગઢ મનપાના સફાઈ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલનો આખરે અંત આવ્યો છે. મનપાના શાસકો, ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સરકાર લેવલે યોગ્ય કરવાની ખાત્રી અપાયા બાદ આ આંદોલન સમેટાયું હતું અને આજથી જ શહેરમાં સફાઈની કામગીરી રાબેતામુજબ શરૂ કરવામાં આવી છે.
મનપાના સફાઈ કર્મચારીઓની ઘણા લાંબા સમયની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા આખરે સફાઈ કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓની આ હડતાલને પગલે સફાઈ કામગીરી ઠપ્પ બની હતી અને જૂનાગઢ શહેર છેલ્લા પાંચ દિવસથી કચરાનગરમાં ફેરવાઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા હતા. આ ઉપરાંત સફાઈ ન થઈ શકવાને કારણે ગંદકી નગરમાં જૂનાગઢ ફેરવાઈ ગયું હતું. કચરાના ઢગલા તો ખરા જ પરંતુ સાથે જ મરેલા પ્રાણીઓના મૃતદેહો પણ જ્યાં ત્યાં રઝળતા હતા. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે આ શહેરની હાલત નર્કાગાર સમી બની ગઈ હતી. દરમ્યાન ગઈકાલે મહાનગરપાલીકાના મેયર સહિતના પદાધીકારીઓ, ધારાસભ્ય, સંસદસભ્ય વગેરેની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક મળી હતી.
આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સફાઈ કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો હોય તે પ્રશ્નોની યોગ્ય અને અસરકારક રજુઆત માટે ભાજપના નેતાઓએ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. અને ભાવપના નેતાઓએ આપેલા આશ્વાસન પર વિશ્વાસ કરીને ફરીથી કામ પર લાગી જવાની જાહેરાત કરવામાં આવી હતી. ગઈકાલે મળેલી આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે, સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવશે. આ માટે એક પ્રતિનિધી મંડળ મુખ્યમંત્રીને મળશે અને યોગ્ય નિરાકરણ લાવવા રજુઆતો કરવામાં આવશે. દરમ્યાન સફાઈ કર્મચારી યુનિયનના હોદેદારોએ પણ જણાવ્યું કે, ભાજપના પદાધિકારીઓની મધ્યસ્થી બાદ કામદારોએ પોતાની હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. સફાઈ કર્મચારીઓના પ્રશ્ને ચાલતા આંદોલનનો અંત આવ્યો છે અને આજથી જ શહેરમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે નગરજનોને પણ રાહત પહોંચી છે.


