ટેકાના ભાવે રાજ્યના ૭૦,૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂા.૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટનથી વધુ મગફળી ખરીદાઈ

રૂા.૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી

ટેકાના ભાવે રાજ્યના ૭૦,૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂા.૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મે. ટનથી વધુ મગફળી ખરીદાઈ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.ર૦
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચાલી રહેલી ટેકાના ભાવે મહફળીની ખરીદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે પ્રેસ-મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના ૭૦,૦૦૦થી વધુ ખેડૂતો પાસેથી રૂા.૧,૧૭૭ કરોડથી વધુના મૂલ્યની કુલ ૧.૬૨ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સાથે જ, ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણા પણ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ચાલુ વર્ષે રાજ્યના ૯.૩૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષે થયેલી નોંધણીની અઢી ગણી વધારે છે. ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદી કરવા માટે કરેલી રજૂઆતને પગલે રાજ્યના ખેડૂતો પાસેથી રૂા.૧૫,૦૦૦ કરોડની મગફળી અને પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળી ખરીદવાનો ઉદારતમ ર્નિણય કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂા.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાય મેળવવા માટે આજ સુધીમાં રાજ્યના કુલ ૧૦ લાખથી વધુ ખેડૂતોએ ફઝ્રઈ મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી છે. આ ઉપરાંત સપ્ટેમ્બર-૨૦૨૫માં વરસેલા અતિભારે વરસાદ માં સહાયરૂપ થવા રાજ્ય સરકારે પાંચ અસરગ્રસ્ત જિલ્લા માટે રૂા.૧,૧૩૮ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં કુલ ૧.૨૫ લાખ જેટલા ખેડૂતોએ ફઝ્રઈ મારફત ઓનલાઈન અરજી કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બંને રાહત પેકેજમાં રાજ્ય સરકારે પિયત અને બિનપિયત બંને પાકો માટે એક સમાન રૂા.૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવાનો ઉદારતમ ર્નિણય કર્યો છે.