પાકિસ્તાન-અફઘાન સરહદે ભારે અથડામણ : યુધ્ધની સ્થિતિ
(એજન્સી) ઇસ્લામાબાદ તા.૬:
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર પરિસ્થિતિ ફરી એકવાર વણસી છે. ગત રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. જોકે ગોળીબારમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. બંને દેશો વચ્ચે બે મહિના પહેલા જ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ શુક્રવારે રાત્રે થયેલા ગોળીબારથી ફરી એકવાર આ અથડામણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત થઈ છે. બંને દેશોએ યુદ્ધવિરામ ઉલ્લંઘન માટે એકબીજાને દોષી ઠેરવ્યા છે. અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં અફઘાન અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થઈ હતી. બંને સેના સરહદ પારથી એકબીજા પર હુમલા કરી રહ્યું છે, ગ્રેનેડ અને મોર્ટાર ફેંકી રહ્યા છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા છે.


