પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ અને વર્તમાન સેના પ્રમુખને આજીવન મુક્તિ અને રક્ષણ આપતું બિલ પસાર થયું

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ અને વર્તમાન સેના પ્રમુખને આજીવન મુક્તિ અને રક્ષણ આપતું બિલ પસાર થયું
Unsplash

ઇસ્લામાબાદ, તા.૧૭
પાકિસ્તાનની સંસદે તાજેતરમાં રાષ્ટ્રપતિ અને વર્તમાન સેના પ્રમુખને આજીવન મુક્તિ આપતો એક વ્યાપક બંધારણીય સુધારો મંજૂર કર્યો છે. ટીકાકારોએ ચેતવણી આપી છે કે, આ પગલાથી લોકશાહી નિયંત્રણો અને ન્યાયિક સ્વતંત્રતાનો નાશ થશે. બે તૃતીયાંશ બહુમતી દ્વારા પસાર કરાયેલ ૨૭મો સુધારો, સંરક્ષણ દળોના નવા વડાની ભૂમિકા હેઠળ લશ્કરી સત્તાને પણ એકીકૃત કરે છે અને ફેડરલ બંધારણીય અદાલતની સ્થાપના કરે છે. આ ફેરફારો મે મહિનામાં ભારત સાથે પાકિસ્તાનની અથડામણ પછી તાજેતરમાં ફિલ્ડ માર્શલ તરીકે બઢતી પામેલા આર્મી ચીફ અસીમ મુનીરને સેના, વાયુસેના અને નૌકાદળ ઉપર કમાન્ડ આપે છે. મુનીર, અન્ય ટોચના લશ્કરી અધિકારીઓની જેમ આજીવન રક્ષણ મેળવશે. ફિલ્ડ માર્શલ, વાયુસેનાના માર્શલ અથવા ફ્લીટના એડમિરલ તરીકે બઢતી પામેલા કોઈપણ અધિકારી હવે આજીવન પદ અને વિશેષાધિકારો જાળવી રાખશે, તેઓ ગણવેશમાં રહેશે અને ફોજદારી કાર્યવાહીથી મુક્તિ મળશે. આ રક્ષણ અગાઉ ફક્ત રાજ્યના વડા માટે અનામત હતું. ઇસ્લામાબાદ સ્થિત વકીલ ઓસામા મલિકે જણાવ્યું કે, આ બંધારણીય સુધારો સરમુખત્યારશાહીમાં વધારો કરશે અને આ દેશમાં લોકશાહી અદૃશ્ય થઈ જશે. તે ફક્ત લશ્કરની પ્રવૃત્તિઓમાંથી નાગરિક દેખરેખ જ દૂર કરશે નહીં, તે લશ્કરી વંશવેલાને પણ સંપૂર્ણપણે નાશ કરશે જ્યાં સંયુક્ત ચીફ સિસ્ટમ હેઠળ તમામ સેવા વડાઓને સમાન ગણવામાં આવતા હતા. આ સુધારો રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી માટે પણ આવી મુક્તિ સુનિશ્ચિત કરે છે, તેમને કોઈપણ ફોજદારી કાર્યવાહીથી રક્ષણ આપે છે. જાે કે, આ બિલ સ્પષ્ટ કરે છે કે, જાે પૂર્વ રાષ્ટ્રપતિ પછીથી બીજાે જાહેર હોદ્દો સંભાળે તો આ રક્ષણ લાગુ પડશે નહીં. ઝરદારીને ભ્રષ્ટાચારના અનેક કેસોનો સામનો કરવો પડ્યો છે, જાે કે, કાર્યવાહી અગાઉ રોકી દેવામાં આવી હતી. નવીનતમ સુધારો તેમને અન્ય જાહેર હોદ્દો ન લે ત્યાં સુધી રક્ષણ આપે છે. આ સુધારો અદાલતોને ‘કોઈપણ કારણોસર’ કોઈપણ બંધારણીય ફેરફાર ઉપર પ્રશ્ન ઊઠાવવાથી પણ રોકે છે. આ બિલને હવે કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની સહી જરૂરી છે.