સરકારે નવો ભાડા કરાર-ર૦રપ લાગુ કર્યો : મકાન માલિક અને ભાડુઆત બન્નેને નોંધપાત્ર રાહત

સરકારે નવો ભાડા કરાર-ર૦રપ લાગુ કર્યો : મકાન માલિક અને ભાડુઆત બન્નેને નોંધપાત્ર રાહત

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૦:
કેન્દ્ર સરકારે મકાનમાલિકો અને ભાડૂઆતોને નોંધપાત્ર રાહત આપી છે. સરકારે ‘નવો ભાડા કરાર ૨૦૨૫’ લાગુ કર્યો છે. મકાનમાલિકો હવે ભાડૂઆતો પાસેથી ૬ મહિનાનું ભાડું અગાઉથી માંગી શકશે નહીં. 
વધુમાં, કોઈ પણ મકાનમાલિક રાતોરાત તેમના ભાડૂઆતોને કાઢી શકશે નહીં. કેન્દ્ર સરકારે ભારતના વધતા ભાડા બજારમાં પારદશિર્તા અને શિસ્ત લાવવા માટે નવો ભાડા કરાર ૨૦૨૫ રજૂ કર્યો હતો. આ નવા નિયમો મોડેલ ટેનન્સી એક્ટ અને તાજેતરની જાહેરાતો પર આધારિત છે. તેમનો ઉદ્દેશ્ય ભાડૂઆતો અને મકાનમાલિકો બંનેના હિતોનું રક્ષણ કરવાનો અને વિવાદો ઘટાડવાનો છે.
અત્યાર સુધી, ઘણા લોકોએ ભાડા કરારો પહેલાથી જ તૈયાર કરી લીધા હતા પરંતુ તેમને નોંધણી કરાવવામાં અવગણના કરી હતી. નવા નિયમોએ આ શિથિલતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. હવે, કરાર પર હસ્તાક્ષર કર્યાના બે મહિનાની અંદર નોંધણી ફરજિયાત છે. સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક ભાડૂઆત પાસે કાનૂની રેકોર્ડ હોય. તમે રાજ્યની ઓનલાઈન પ્રોપર્ટી વેબસાઇટ પર અથવા નજીકના રજિસ્ટ્રાર ઑફિસની મુલાકાત લઈને આ નોંધણી સરળતાથી કરાવી શકો છો.