શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મેળા પ્રશાસનને નોટિસ પાછી ખેંચી લેવા અને માનહાનીના દાવાની ચીમકી આપી
પ્રયાગરાજ તા.૨૧ :
અહીં ચાલી રહેલા પવિત્ર માઘ મેળામાં સાધુ-સંતો અને વહીવટીતંત્ર વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. માઘ મેળા પ્રશાસન દ્વારા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને તેમના નામની આગળ ‘શંકરાચાર્ય‘ લખવા અંગે ખુલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી હતી, જેનો સ્વામીજીએ અત્યંત આકરા શબ્દોમાં ચાર પાનાના વિસ્તૃત પત્ર દ્વારા જવાબ આપ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પ્રશાસનની આ કાર્યવાહીને સનાતન ધર્મની પરંપરાઓમાં હસ્તક્ષેપ ગણાવીને કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
માઘ મેળા પ્રશાસને સુપ્રીમ કોર્ટના એક આદેશનો હવાલો આપીને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં મામલો વિચારાધીન છે, ત્યારે તેઓ કયા આધારે પોતાને ‘શંકરાચાર્ય‘ તરીકે ઓળખાવી રહ્યા છે અને કેમ તેમના શિબિરના બોર્ડ પર આ પદવી લખવામાં આવી છે. પ્રશાસને તેમને ૨૪ કલાકની અંદર આ અંગે સ્પષ્ટતા કરવા અને પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો હતો.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે વહીવટીતંત્રને પાઠવેલા તેમના ૪ પાનાના જવાબમાં પ્રશાસનના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમના જવાબના મુખ્ય અંશો નીચે મુજબ છે: સુપ્રીમ કોર્ટના આદેશનું અર્થઘટન: સ્વામીજીએ સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમ કોર્ટે માત્ર ‘પટ્ટાભિષેક‘ (રાજ્યાભિષેક) સમારોહ પર રોક લગાવી છે, પરંતુ ‘શંકરાચાર્ય‘ પદવીના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે તેઓ બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય છે અને ગુરુએ તેમના નામે વસિયત નોંધાવેલી છે, જેના આધારે તેઓ આ પદના હકદાર છે.
તેમણે દાવો કર્યો છે કે દ્વારકા પીઠ અને શૃંગેરી પીઠના શંકરાચાર્યો તેમને જ્યોતિષ પીઠના શંકરાચાર્ય તરીકે માન્યતા આપે છે અને ગત માઘ મેળામાં તેઓએ સાથે સ્નાન પણ કર્યું હતું.


