સાસણ ગીર ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતા કોમર્શીયલ પ્રવૃતિને તત્કાલ રોકી દેવા અમલવારી શરૂ
જૂનાગઢ જીલ્લા કલેકટર યોગેશ ચૌધરી દ્વારા સર્વે કરી ૩૯ કોમર્શીયલ પ્રવૃતિને અટકાવવા નોટીસ ફટકારી
જૂનાગઢ તા. ૩૦
સાસણ ગીર અભિયારણ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય થયા બિલાડીનાં ટોપની માફક ફુટી નીકળેલા ગેરકાયદેસર રીસોર્ટ અને રેસ્ટોરન્ટ અંગેની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે આવા ગેરકાયદેસર ધમધમતા રીસોર્ટ, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન સાસણ ગીર જંગલ આસપાસ ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતા કોઈપણ કોમર્શીયલ પ્રવૃતિને અટકાવવા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી પીટીસનમાં કોર્ટનાં આદેશ બાદ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલવારી શરૂ કરવામાં આવી છે અને જે અંતર્ગત ૩૯ જેટલા બાંધકામો અંગે શરતભંગની નોટીસ જારી કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ સાથે જ એવો સવાલ પણ ઉઠવા પામ્યો છે કે, વન વિભાગની મીઠી નજર હેઠળ આ રીસોર્ટ ચાલતા હતા ? તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે. દરમ્યાન આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સાસણ ગીર જંગલ આસપાસ ઈકો સેન્સેટીવ ઝોનનું ફોરેસ્ટનું જાહેરનામું છે, જે અનુસાર ગીરના જંગલમાંની હદથી ૦ કિમીથી ૧ કિમી અને ૧૦ કિમીની ત્રિજયામાં આવતા અને ર૦૧પ પછીના કોઈપણ કોમર્શીયલ પ્રવૃતિઓને રોકી દેવા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ર૦રપમાં હાઈકોર્ટમાં એક પીટીશન દાખલ થયેલ છે. જેના આધારે કોર્ટના આદેશ પછી જૂનાગઢ તંત્ર દ્વારા તેની કડક અમલવારી શરૂ કરી છે. અને જંગલની હાદથી ૦ કિમીથી ૧ કિમી અને ૧૦ કિમીની ત્રિજયામાં આવતા રીસોર્ટ, રેસ્ટોરન્ટ, હોટલ, ફાર્મ હાઉસના સર્વે કરવામાં આવ્યા છે. અને તેમાંથી ૩૯ કેસોમાં કોમર્શીયલ પ્રવૃતિઓને રોકી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેઓને આગામી ૩૦ દિવસમાં કામગીરી બંધ કરીને સોગંદનામું રજુ કરવાનું રહેશે. તેમની આ ત્રિજયામાં જમીન હશે તો તે માત્ર રહેણાંક હેતુથી વપરાશ કરી શકશે પરંતુ કોમર્શીયલ પ્રવૃતિઓ માટે નહીં કરી શકે. જેમાં ધારો કે કોઈપણ બાંધકામ કરવાની જરૂર હોય તો એક કિમીની ત્રિજયામાં પ ટકા, બે કિમીથી પ કિમીની ત્રિજયામાં ૧પ ટકા અને પ ટકાથી ૧૦ કિમીની ત્રિજયામાં રપ ટકાની મર્યાદામાં ફોરેસ્ટ વિભાગની એનઓસી મેળવીને કરી શકશે. પરંતુ તેમાં કોઈ કોમર્શીયલ પ્રવૃતિઓ નહી કરી શકે. આ અંગે હાલ તંત્ર દ્વારા કડક અમલવારી શરૂ કરવામાં આવી છે.
૩૯ એકમોની નામાવલિ
કેમ્પ વાઇલ્ડ વેલી-હરિપુર, અરહમ ફાર્મ-હરિપુર, ધ ગીર લાયન રિસોર્ટ-ભાલછેલ, શ્રીજી રિસોર્ટ-જલોંદર, બલીબાબુ ફાર્મ - હરિપુર, શિવમ રેસ્ટોરન્ટ એન્ડ ફાર્મ-જલોંદર, ધ મેજસ્ટીક હેરિટેજ રિસોર્ટ-જલોદર, માતૃ ફાર્મ એન્ડ રિસોર્ટ - જલોંદર, ધ ડ્રીમ ગીર ફાર્મ હાઉસ-હરિપુર, દાતાર ગ્રીન - જલોંદર, સમ્રાટ ફાર્મ એન્ડ રિસોર્ટ-જલોંદર, મધુવન પ્રાકૃતિક ફાર્મ - હરિપુર, વ્રજ વલ્લભ ફાર્મ એન્ડ રિસોર્ટ-જલૉદર, ગીર ભૂમી હોટલ એન્ડ રીસોર્ટ-જલૉદર, ગીર આશ્રમ નેસ-હરિપુર, ગીર રજવાડી ફાર્મ શ્ રિસોર્ટ-જલૉદર, સનબર્ડ ફાર્મ-સાસણ, હોટેલ ગાત્રાળ -ભાલછેલ, મહાદેવ ફાર્મ-હરિપુર, મહાદેવ ફાર્મ એન્ડ રિસોર્ટ -જલૉદર, ધ કમ્ફર્ટ એટગીર-હરિપુર, લાયન સગડ ફાર્મ -નાજાપુર, ખીમાભાઈ મયાભાઈ ખાંભલા - જલોદર, રામદૂત ફાર્મ-નાજાપુર, ડ્રીમલેન્ડ રિસોર્ટ-ભાાલછેલ, જય સોમનાથ દેશી ઢાબા - નાજાપુર, માં દેશી ઢાબા - નાજાપુર, હોટેલ મોમાઈ-હરિપુર, જય માતાજી હોટેલ -ગડકીયા, આશા દેશી ઢાબા-નાજાપુર, સિતારામ દેશી ઢાબા - નાજાપુર, રૂદ્રેશ્વર ડાઈનીંગ હોલ-ભાલછેલ, ગીર વિલેજ, બાંધણી હાઉસ-ભાલછેલ, સિલ્વર લીફ સામેનો રિસોર્ટ-ભાલછેલ, ધ ડ્રીમ ગીર ફોરેસ્ટ-હરિપુર, કરબા રિસોર્ટ-નતાળીયા, દામજીભાઈની વાડી-ભાલછેલ, ગ્રામ વિહાર રિસોર્ટ-ભાલછેલ, રામનાથ દેશી ઢાબા - નાજાપુર


