સરકારે પેટ્રોલ-ડીઝલની એકસાઈઝ ડયુટીમાં ઘટાડો કર્યો
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાને બદલે સરકારે એકસાઈઝ ડયુટી ઘટાડીને લોકોને સંભવિત ભાવ વધારાથી રાહત આપી
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ઇરાન યુધ્ધના કારણે ક્રુડ તેલના ભાવમાં થઇ રહેલા સતત વધારા અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય ગણાતો હોર્મુઝ જળમાર્ગ બંધ રહેવાથી શીપીંગ અને વિમા સહિતના ખર્ચમાં થયેલા વધારા અને રૂપિયો નબળો પડતા ઓઇલ કંપનીઓને પેટ્રોલ-ડિઝલ સહિતના પેટ્રોલિયમ ઉત્પાદનમાં જે મોટી ખોટ જઇ રહી છે તેને તેમાં રાહત આપવા સરકારે પેટ્રોલ અને ડિઝલ પર એકસાઇઝમાં મોટો ઘટાડો કર્યો છે.
જોકે તેનો લાભ છુટક ગ્રાહકોને મળશે નહીં પરંતુ ઓઇલ કંપનીઓએ તેટલો ટેકસ સરકારને ભરવાનો રહેશે નહી અને તેની ખોટમાં થોડી રાહત મળશે. આજે નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ પેટ્રોલ પર જે રૂા.13ની પ્રતિ લીટર એકસાઇઝ ડયુટી લાગતી હતી તે ઘટાડીને રૂા.3 કરી દેવામાં આવી છે. આમ રૂા.10નો ઘટાડો કરાયો છે. જયારે ડિઝલ પર રૂા.10ની એકસાઇઝ કેન્દ્ર સરકાર વસુલતુ હતું તે ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે.


