સંસદમાં વંદે માતરમ્ રાષ્ટ્રગીત પર ૧૦ કલાક ચર્ચા થશે : વડાપ્રધાન પણ ભાગ લેશે
SIR મામલે લોકસભામાં આજે પણ ભારે હોબાળો
(એજન્સી) નવી દિલ્હી તા.ર :
વિપક્ષે સતત બીજા દિવસે પણ સંસદમાં જીૈંઇ સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો. સવારે ૧૧ વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ, બધા વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. કેટલાક સાંસદ તો વેલમાં પણ પહોંચી ગયા. આ દરમિયાન, સ્પીકરે પ્રશ્નકાળ ચાલુ રાખ્યો, પરંતુ વિપક્ષે ૨૦ મિનિટ સુધી ‘વોટ ચોર-ગદ્દી છોડ‘ના નારા લગાવતા રહ્યા હતા.
ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આ દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, લોકશાહીના રક્ષણ માટે વિરોધ પ્રદર્શન જરૂરી છે. અગાઉ, સવારે ૧૦:૩૦ વાગ્યે, વિપક્ષે સંસદ સંકુલમાં મકર ગેટ સામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સરકાર પાસે આ બાબતે તાત્કાલિક ચર્ચા કરવાની માંગ કરી.
દરમ્યાનમાં ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર સંસદના વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન ખાસ ચર્ચાનું આયોજન કર્યું છે. લોકસભામાં આ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે તેને લઈને ચર્ચા થશે. જેના માટે ૧૦ કલાકનો સમય નક્કી કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ખાસ ચર્ચામાં ભાગ લેશે. આ ચર્ચા સ્વતંત્રતા સંગ્રામના આ પ્રેરક ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને રેખાંકિત કરશે.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા ૩૦ નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મિટિગ અને લોકસભા તથા રાજ્યસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવ પર સહમતિ થઈ. રાજ્યસભામાં પણ સત્તાધારી પાર્ટીના સભ્યોએ તેની જોરદાર તરફદારી કરી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવતા તમામ પક્ષોને તેમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.


