અકસ્માતને અટકાવવાના ભાગરૂપે જૂનાગઢમાં પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવા અભિયાન ટ્રાફિક પોલીસ - જીવદયા ટ્રસ્ટની પ્રસંશનીય કામગીરી
જૂનાગઢ તા.7
જૂનાગઢમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સંયુક્ત અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના દિવસોમાં રાત્રિના સમયે ચાલુ વરસાદે રસ્તા પર બેસતા કે રખડતા પશુઓ વાહન ચાલકોને ન દેખાવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પશુઓના કરૂણ મોત થાય છે અને સાથે-સાથે વાહન ચાલકો પણ જીવ ગુમાવતા હોય છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.
આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે જૂનાગઢ શહેર અને હાઇ-વે વિસ્તારમાં રખડતા આશરે 1 હજારથી 1500 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત શહેરના કાળવા ચોક વિસ્તારથી કરવામાં આવી છે. આ તકે ટ્રાફિક પીએસઆઈ એસ. એન. જાડેજા, ટ્રાફિક શાખાના અન્ય કર્મચારીઓ તેમજ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરનાં વિસ્તારમાં અને હાઇવે રોડ પર ફરતા રખડતા ઢોર, ખૂંટિયા, ગાયો કે અન્ય માલિકીના પશુઓને આ ખાસ રેડિયમ બેલ્ટ બાંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રેડિયમ બેલ્ટ રાત્રિના અંધકારમાં કે ચાલુ વરસાદમાં વાહનની લાઈટ પડતાની સાથે જ ચમકશે, જેના કારણે પશુઓ દૂરથી જ દેખાઈ આવશે અને મૂંગા પશુઓની સાથે-સાથે વાહન ચાલકોના કિંમતી જીવ પણ બચાવી શકાશે.
વધુમાં આ કામગીરી અંતર્ગત ઝાંઝરડા રોડ, નવો બાયપાસ, જૂનો બાયપાસ, અને દૌલતપરા રોડ સહિતના તમામ માર્ગોને આવરી લેવામાં આવશે અને ટીમ દ્વારા ખૂબ જ ખંતપૂર્વક કામ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસની ટીમને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ રેડિયમ બેલ્ટ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા છે તે બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બંને ટીમો સાથે મળીને આગામી સમયમાં આ ઉમદા કાર્યને પૂર્ણ કરશે.


