અમદાવાદમાં રાજસ્થાનથી ખાનગી બસમાં લવાયેલ ૪૦૮ કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો
અમદાવાદ તા.૨૧
દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. કાંકરિયા દેડકી ગાર્ડન નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ ર્પાકિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાંથી ૪૦૮ કિલોગ્રામ જેટલું લો ફેટ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને સીઝ કરવામાં આવ્યો છે. લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે નરોડા અને મણીનગર વિસ્તારના બે વ્યક્તિઓ આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા પનીરનો જથ્થો જપ્ત કરી અને સેમ્પલ માટે લેબ ટેસ્ટમાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી મારફતે પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જેના આધારે આજે ૨૧ ઓગસ્ટના રોજ વહેલી સવારના સમયે કાંકરિયા વિસ્તારમાં દેડકી ગાર્ડન પાસે આવેલા ર્પાકિંગમાં અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી જેમાં લો ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. નરોડા અને મણીનગર વિસ્તારના બે લોકો આ પનીર નો જથ્થો ખરીદવા માટે આવ્યા હતા. પ્રતિ કિલો રૂ. ૨૪૦ના ભાવે તેમને આ પનીરનો જથ્થો આપવામાં આવતો હતો.


