આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા
રાજકોટ તા.૨૧
રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ ૨૦૨૬‘ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે. નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ ર્નિણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ ર્નિણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.


