‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ, પાકિસ્તાની જાસૂસ બન્યો આયુષ્માન ખુરાના પરંતુ યાદશક્તિ ગુમાવતાં વાર્તામાં આવ્યો કોમેડી ટ્વિસ્ટ
ભારતમાં મિશન માટે આવેલો જાસૂસ પોતાને જ ભારતીય માનવા લાગે છે; સારા અલી ખાન સાથે રોમાન્સની ઝલક, સોશિયલ મીડિયા પર ‘ધુરંધર’ સાથે થઈ રહી છે સરખામણી
મુંબઈ, તા.૨૪
આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જાસૂસી, ભારત-પાકિસ્તાનની પૃષ્ઠભૂમિ, દેશભક્તિ, રોમાન્સ અને કોમેડીના મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મમાં આયુષ્માન એક પાકિસ્તાની જાસૂસના પાત્રમાં જોવા મળી રહ્યો છે. જોકે સામાન્ય સ્પાઈ ફિલ્મોથી અલગ અહીં જાસૂસનું મિશન જ તેની યાદશક્તિ ગુમાવ્યા બાદ ઊંધું પડી જાય છે અને ત્યાંથી ફિલ્મની કોમેડી શરૂ થાય છે.
ટ્રેલરની શરૂઆત પાકિસ્તાન તરફથી ભારત સામે એક જાસૂસ મોકલવાની યોજનાથી થાય છે. આયુષ્માનના પાત્રને ખાસ મિશન માટે ભારત મોકલવામાં આવે છે, પરંતુ ભારતમાં આવ્યા બાદ તેની યાદશક્તિ જતી રહે છે. પરિણામે તેને એ પણ યાદ રહેતું નથી કે તે કોણ છે અને કયા હેતુથી ભારત આવ્યો હતો.
વાર્તામાં રસપ્રદ વળાંક ત્યારે આવે છે જ્યારે યાદશક્તિ ગુમાવેલો આ પાકિસ્તાની જાસૂસ ભારતમાં રહેતાં-રહેતાં પોતાને ભારતીય માનવા લાગે છે. જે વ્યક્તિને પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ એક મિશન માટે મોકલવામાં આવી હતી, તે જ હવે ભારત પ્રત્યે દેશભક્તિ દર્શાવતો જોવા મળે છે. આ વિરોધાભાસને ફિલ્મમાં ગંભીર જાસૂસી થ્રિલરને બદલે કોમેડીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો છે.
‘ઉડતા તીર’નું ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની સરખામણી ‘ધુરંધર’ સાથે પણ થઈ રહી છે. બંને ફિલ્મોમાં ભારત-પાકિસ્તાન અને જાસૂસીની પૃષ્ઠભૂમિ હોવાને કારણે યુઝર્સે અલગ-અલગ કોમેન્ટ્સ કરી છે. જોકે બંને ફિલ્મોની રજૂઆતનો અંદાજ અલગ હોવાનું ટ્રેલર પરથી જોવા મળે છે. ‘ધુરંધર’ના ગંભીર સ્પાઈ સેટઅપની સામે ‘ઉડતા તીર’ એ જ પ્રકારની પૃષ્ઠભૂમિને હળવા અને કોમિક અંદાજમાં રજૂ કરતી દેખાય છે.
ટ્રેલરમાં આયુષ્માનની કોમિક ટાઇમિંગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. દર્શકોને તેના પાત્રની અસલી ઓળખ અને મિશન વિશે જાણ હોય છે, પરંતુ ફિલ્મનું મુખ્ય પાત્ર પોતે જ આ સત્યથી અજાણ હોય છે. આ પરિસ્થિતિમાંથી સર્જાતી ગેરસમજ અને ઘટનાઓને ફિલ્મના હ્યુમરનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હોવાનું ટ્રેલર પરથી જણાય છે.
ફિલ્મમાં સારા અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં આયુષ્માન અને સારાના પાત્રો વચ્ચે રોમાન્સની ઝલક આપવામાં આવી છે. આમ જાસૂસી મિશન અને દેશભક્તિના કોમિક ટ્રેકની સાથે ફિલ્મમાં લવ સ્ટોરી પણ આગળ વધતી જોવા મળશે.
‘ઉડતા તીર’ની સ્ટારકાસ્ટમાં ગુલશન ગ્રોવર અને રામ કપૂર પણ સામેલ છે. ટ્રેલરમાં બંને પાકિસ્તાની સત્તાતંત્ર સાથે જોડાયેલા પાત્રોમાં જોવા મળે છે. આ ઉપરાંત ‘ધુરંધર’માં લુલ્લી ડાકુના પાત્ર સાથે જોડાયેલા નસીમ મુગલ પણ ફિલ્મમાં જોવા મળશે હોવાનું જણાવાયું છે.
આયુષ્માન ખુરાના અગાઉ પણ અલગ વિષયો અને સામાજિક મુદ્દાઓને કોમેડી સાથે રજૂ કરતી ફિલ્મોમાં જોવા મળ્યો છે. ‘ઉડતા તીર’માં આ વખતે જાસૂસી અને દેશભક્તિના પરિચિત સેટઅપને યાદશક્તિ ગુમાવેલા જાસૂસની વાર્તા સાથે કોમિક અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલર રિલીઝ થયા બાદ હવે ફિલ્મની અનોખી વાર્તા અને આયુષ્માન-સારાની નવી જોડી દર્શકો વચ્ચે ચર્ચામાં આવી છે.


