અભિષેક શર્મા અને બિઝનેસવુમન લૈલા ફૈસલના ડેટિંગની ફરી ચર્ચા, બંનેએ નથી કરી સત્તાવાર પુષ્ટિ

IPL 2025થી બંનેના સંબંધોની અટકળો; લંડનમાં અભ્યાસ કરનાર લૈલા ફેશન બિઝનેસ સાથે સંકળાયેલી અને પોતાની હાઈ-એન્ડ બ્રાન્ડની સહ-સ્થાપક

અભિષેક શર્મા અને બિઝનેસવુમન લૈલા ફૈસલના ડેટિંગની ફરી ચર્ચા, બંનેએ નથી કરી સત્તાવાર પુષ્ટિ

મુંબઈ, તા.૧૦
ભારતીય ક્રિકેટર અને શેર-એ-પંજાબ T20 લીગમાં અમૃતસર સુરમાસના કેપ્ટન અભિષેક શર્મા પોતાના મેદાન પરના પ્રદર્શનની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. બિઝનેસવુમન લૈલા ફૈસલ સાથે તેના કથિત સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ફરી અટકળો શરૂ થઈ છે. જોકે અભિષેક કે લૈલા તરફથી તેમના સંબંધ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
અહેવાલો અનુસાર કેટલીક મેચો બાદ અભિષેક શર્મા અને લૈલા ફૈસલ સાથે જોવા મળ્યા હોવાના દાવા થયા છે. બંનેના ડેટિંગની ચર્ચા IPL 2025ના સમયથી ચાલી રહી હોવાનું કહેવાય છે. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના સંબંધોને લઈને સમયાંતરે અટકળો સામે આવતી રહી છે.
અભિષેક શર્મા સાથે નામ જોડાયા બાદ લૈલા ફૈસલ પણ ચર્ચામાં આવી છે. લૈલા ગ્લેમર ઇન્ડસ્ટ્રીને બદલે બિઝનેસ અને ફેશન જગત સાથે સંકળાયેલી છે. અહેવાલ અનુસાર તે દિલ્હીની વતની છે અને તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ કિંગ્સ કોલેજ લંડનમાંથી સાયકોલોજીમાં ડિગ્રી મેળવી હતી.
ત્યારબાદ લૈલાએ યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો અભ્યાસ કર્યો હતો. લંડનમાં અભ્યાસ દરમિયાન તે કોલેજની ફેશન સોસાયટી સાથે પણ સક્રિય રીતે જોડાયેલી હોવાનું જણાવાયું છે.
ભારત પરત આવ્યા બાદ લૈલાએ પોતાના પિતાની ફર્મ ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર એટલે કે COO તરીકે જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં તેણે પોતાની માતા સાથે મળીને ‘લૈલા રૂહી ફેશન ડિઝાઇન્સ’ નામનું હાઈ-એન્ડ ફેશન લેબલ પણ શરૂ કર્યું હતું.
લૈલા બિઝનેસની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે અને ફેશન સંબંધિત પોસ્ટ્સને કારણે તેનો પોતાનો ચાહકવર્ગ છે. હાલ અભિષેક શર્મા સાથેના તેના કથિત સંબંધોની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે, પરંતુ બંને તરફથી પુષ્ટિ ન હોવાથી આ વાતો હાલ અટકળો પૂરતી જ છે.