એસીબીનો સપાટો જૂનાગઢ તાલુકામાં ગૌચરની જમીન પર દબાણની અરજી પરત ખેંચવા રૂા.૩.૫૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

એસીબીનો સપાટો જૂનાગઢ તાલુકામાં ગૌચરની જમીન પર દબાણની અરજી પરત ખેંચવા રૂા.૩.૫૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

જૂનાગઢ તા.૨૩
જૂનાગઢ શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૌચરની જમીન અંગે કરાયેલી અરજી પાછી ખેંચવા અને સરકારી કચેરીઓ તરફથી કોઈ આગળની કાનૂની કાર્યવાહી ન થાય તે માટે લાખો રૂપિયાની માંગણી કરનાર એક શખ્સ રૂા.૩.૫૦ લાખની રોકડ રકમ સ્વીકારતા જ સ્થળ પરથી ઝડપાઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એસીબીની ટીમ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (ઉં.વ. ૫૪, ધંધો- મજૂરી કામ, રહે. શેરી નં. ૨, વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જૂનાગઢ) નામના શખ્સે ફરિયાદીના ભત્રીજા વિરૂધ્ધ ગૌચરની જમીનમાં દબાણ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં એક અરજી કરી હતી. આ અરજી સમેટી લેવા તેમજ તલાટી કે ટીડીઓ કચેરી તરફથી ભવિષ્યમાં કોઈ દબાણ હટાવવાની કાર્યવાહી નહીં થાય તેવી બાંહેધરી આપવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસે કુલ રૂા.૫,૨૫,૦૦૦ ની તોતિંગ રકમની માંગણી કરી હતી. જેમાંથી તેણે અગાઉ પ્રથમ હપ્તામાં રૂા.૨૫,૦૦૦ અને ત્યારબાદ રૂા.૧,૫૦,૦૦૦ એમ કુલ રૂા.૧.૭૫ લાખ તો પડાવી લીધા હતા. અગાઉ મોટી રકમ પડાવી લીધા બાદ આરોપી કરશન સોલંકી બાકી નીકળતી રૂા.૩,૫૦,૦૦૦ની રકમ તાત્કાલિક ચૂકવી આપવા સતત દબાણ કરી રહ્યો હતો. જોકે, ફરિયાદી કોઈપણ સંજોગોમાં આ ગેરકાયદે નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે જૂનાગઢ લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો (ACB)નો સંપર્ક કરી લેખિતમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને એસીબી જૂનાગઢ એકમની ટીમે તાત્કાલિક લાંચનું છટકું ગોઠવી ગોઠવી દીધું હતું.
જેમાં જૂનાગઢના દિવાન ચોકની બાજુમાં આવેલા લીમડા ચોક ખાતે જાહેર રોડ પર એસીબીએ વોચ ગોઠવી હતી. પૂર્વ આયોજન મુજબ જેવો કરશનભાઈ સોલંકી ફરિયાદી પાસેથી બાકીની રૂા.૩,૫૦,૦૦૦ ની લાંચની રોકડ રકમ સ્વીકારવા ગયો કે તરત જ છૂપાયેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ પંચોની રૂબરૂમાં સમગ્ર રૂા.૩.૫૦ લાખની રોકડ રકમ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.