કુડાસણ સ્લેબ દુર્ઘટનામાં તમામ શ્રમિકો સુરક્ષિત, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ: હર્ષ સંઘવી

૧૫ જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી; બેને હોસ્પિટલમાંથી રજા, બાકીના સારવાર હેઠળ; સ્લેબ ધરાશાયી થવાનું કારણ જાણવા તપાસના આદેશ

કુડાસણ સ્લેબ દુર્ઘટનામાં તમામ શ્રમિકો સુરક્ષિત, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ: હર્ષ સંઘવી

ગાંધીનગર તા.10
ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ અચાનક ધરાશાયી થવાની દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં ફસાયેલા તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર મહાનગરપાલિકા, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને સંબંધિત આપત્તિ વ્યવસ્થાપન ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે આધુનિક સાધનો અને ક્રેનની મદદથી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં આશરે ૧૫ શ્રમિકો ઇજાગ્રસ્ત થયાની પ્રાથમિક વિગતો મળી છે. તેમાંથી બે શ્રમિકોની સ્થિતિ સારી હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય શ્રમિકોની સારવાર ચાલી રહી છે. તમામ શ્રમિકો હાલ સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર હેઠળના શ્રમિકોની સ્થિતિ અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. તેમણે ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.
બીજી તરફ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા પણ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોની સારવાર માટે નિષ્ણાત તબીબોને તૈનાત કરવામાં આવ્યા હતા અને જરૂરી દવાઓ તથા સારવારની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને સૂચના આપવામાં આવી હતી.
હવે આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે. બાંધકામ સ્થળે સલામતીના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેમજ સેન્ટરિંગ કે સ્લેબની ગુણવત્તા અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. તપાસના તારણો બાદ નિયમ મુજબ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાસ્થળે ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર અને રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તંત્રના જણાવ્યા અનુસાર સમયસર હાથ ધરાયેલી રેસ્ક્યૂ કામગીરીને કારણે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.