કેશોદમાં કોબ્રાએ મહિલાને ડંખ માર્યો :  નવજીવન મળ્યું

કેશોદ સિવિલ હોસ્પિટલના ડો. ઋષિ કોડીયાતર અને ટીમની માનવતાભરી કામગીરી : શેરગઢની મહિલાને ગંભીર હાલતમાં ખસેડાઈ હતી હોસ્પિટલ, રાતભર સારવાર અને સતત દેખરેખથી જીવ બચાવ્યો 

કેશોદમાં કોબ્રાએ મહિલાને ડંખ માર્યો :  નવજીવન મળ્યું

(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.18
કેશોદ સિવિલ હોસ્પિટલના તબીબો અને ર્નસિંગ સ્ટાફે સમયસર અને અસરકારક સારવાર આપી એક મહિલાનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. શેરગઢ ગામની રહેવાસી ચંદ્રિકાબેન ડાંગરને ઝેરી કોબ્રા સાપે કરડતા તેમની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડો. ઋષિ કોડીયાતર અને તેમની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં દાખલ થતાં જ દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી તબીબી સારવાર, એન્ટી સ્નેક વેનોમ સહિતની જીવનરક્ષક સારવાર આપવામાં આવી હતી. ડો. ઋષિ કોડીયાતરની આગેવાની હેઠળ સ્ટાફ બ્રધર હિતેશભાઈ અને નર્સ પ્રિયાબેને રાતભર દર્દીની સતત દેખરેખ રાખી હતી. તબીબી ટીમની સતર્કતા, અનુભવ અને સમયસરના ર્નિણયોના પરિણામે માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં જ દર્દી ઝેરની અસરથી મુક્ત થઈ સ્વસ્થ બન્યા હતા. દર્દીની તબિયતમાં ઝડપી સુધારો જોવા મળતાં પરિવારજનોમાં રાહતનો માહોલ છવાઈ ગયો હતો. દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં આટલી ઝડપી નિષ્ઠાપૂર્વક અને ગુણવત્તાસભર સારવાર મળશે તેવી અપેક્ષા નહોતી તેમણે ડોક્ટર અને સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડો. ઋષિ કોડીયાતરે જણાવ્યું હતું કે સાપ કરડે અથવા અન્ય કોઈ ગંભીર ઇમરજન્સી સર્જાય ત્યારે લોકો અંધશ્રદ્ધા, ઘરેલુ ઉપચાર કે અન્ય વિલંબકારક રીતો અપનાવવાને બદલે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચે તે ખૂબ જ જરૂરી છે સમયસર મળતી સારવાર અનેક વખત દર્દીના જીવ માટે નિર્ણાયક સાબિત થાય છે. આ સમગ્ર ઘટનાએ સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. તબીબી સ્ટાફની ફરજનિષ્ઠા અને સેવા ભાવનાના કારણે એક મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. કેશોદ સિવિલ હોસ્પિટલના ડો. ઋષિ કોડીયાતર અને તેમની ટીમની આ કામગીરીને લોકો દ્વારા વ્યાપક બિરદાવવામાં આવી રહી છે. ડો. ઋષિ કોડિયાતરએ અપીલ કરી છે કે, “સાપ કરડવા જેવી ઇમરજન્સી સ્થિતિમાં સમય બગાડવો નહીં તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચવાથી દર્દીનો જીવ બચી શકે છે. સરકારી હોસ્પિટલોમાં જરૂરી સારવાર અને દવાઓ ઉપલબ્ધ હોય છે, જેથી લોકો નિ:સંકોચ વિશ્વાસ રાખે.”