ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનની બે મહિલા કર્મચારીઓએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર

ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનની બે મહિલા કર્મચારીઓએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર

(બ્યુરો)         ગાંધીનગર તા.૦૭
ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિનાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ (ઉં.વ. ૨૬, રહે. નરોડા, અમદાવાદ) અને રિપલ રાકેશભાઈ રાવત (ઉં.વ. ૨૪, રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગત રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. કેનાલમાં પડતા પહેલા બંનેએ પોતપોતાના પરિજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી.