ગુજરાત ઉપર એક સાથે 4 સીસ્ટમ સક્રિય : આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
(બ્યુરો) અમદાવાદ તા.30
ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આજરોજ (30 જુલાઈ) સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં 50 તાલુકામાં 1 મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1.06 અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને દાહોદ જિલ્લામાં 40 કિમીની ઝડપે પવન અને વીજળી સાથે મધ્યમ વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને આણંદ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો વોચ રખાઈ છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકજામની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ જર્જરિત મકાનો કે ઝાડ નીચે ઊભા નહીં રહેવા એડવાઈઝરી અપાઈ છે.


