ગીરનારની લીલી પરીક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે ત્યારે આગોતરૂ આયોજન જરૂરી
લાઈટ, પાણી, આરોગ્ય સહિતની અનેકવિધ પ્રાથમીક સુવિધા યુધ્ધનાં ધોરણે ઉભી કરવા માંગ
જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર ખાતે આગામી તા. ર૦ નવેમ્બરથી તા. ર૪ નવેમ્બર દરમ્યાન ગીરનારની લીલી પરીક્રમાનો પાંચ દિવસનો મેળો યોજાનાર છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે તેવી ધારણા વચ્ચે આગામી પરીક્રમા માટે પ્રાથમિક સુવિધાથી લઈ અનેક પગલા ભરવાની તૈયારીનાં ભાગરૂપે વહીવટી તંત્ર એકશન પ્લાન ઘડી કાઢી અને તાત્કાલીક અમલવારી કરે તેવી લાગણી ભાવિકોમાં અને લોકોમાં પ્રવર્તી રહી છે.
અપુરતા વરસાદને કારણે આ વર્ષે ગીરનારની લીલી પરીક્રમામાં પાણીનું સંકટ તોળાઈ રહયુ છે અને તેની સામે અસરકારક પગલા લેવાની ખાસ જરૂરીયાત છે. આગામી લીલી પરીક્રમામાં દેશભરમાંથી ૧પ લાખ શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી ધારણા છે. આ પરીક્રમાર્થીઓને માટે તેમજ ભાવિકો શ્રધ્ધાળુઓ માટે વિના મુલ્યે ચલાવતા અન્નક્ષેત્રોના સંચાલકોને જે તે જગ્યા ઉપર પાણીની વ્યવસ્થા તેમજ પાણીનાં બોર કરવાની પણ તાત્કાલીક મંજુરી આપવાની જરૂર છે. આ ઉપરાંત હિંસક પ્રાણીઓની જયાં અવર જવર અને ભય છે. તેવા સ્થાન ઉપર ટ્રેકરોને તૈનાત કરવાની જરૂર છે. આ ઉપરાંત ગીરનાર પરીક્રમાનાં રૂટ પર આવેલી ઈટવાની ઘોડી, જીણાબાવાની મઢી અને મારવેલા જતા માર્ગ ઉપરની યાત્રા અત્યંત કઠીન છે અને ત્યાં રસ્તો પહોળો કરવો તેમજ પીવાનું પાણી અને દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે. ખાસ કરીને પરીક્રમાર્થીઓને હાર્ટએટેકનાં બનાવો પણ આ જ વિસ્તારમાં થતા હોય છે ત્યારે પરીક્રમાનાં દિવસો દરમ્યાન વન વિભાગ દ્વારા નાની એમ્બ્યુલન્સ સરકડીયા હનુમાનથી મારવેલા સુધી પહોંચી શકે તેવો માર્ગ તૈયાર કરવા પણ જરૂર છે. આ ઉપરાંત પરીક્રમા રૂટનાં માર્ગો વ્યવસ્થિત કરવા તેમજ બોરદેવીથી આગળ જતો રસ્તો સાવ ધોવાઈ ગયેલ છે તે રીપેર કરવાની પણ માંગણી ઉઠી છે.
જીણાબાવાની મઢીથી મારવેલાનાં અંદાજીત ૬ કિમીના રૂટ પર રસ્તામાં આવતા નાના પથ્થરો પણ હટાવવાની જરૂર છે. તેમજ જંગલ વિસ્તારમાં અને ધાર્મિક જગ્યાઓમાં જયાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે ત્યાં સેવા કરતા સેવાભાવીઓને અવર જવર માટે તેમજ વાહન લઈ જવા માટે પણ સંચાલકોને પરમીટ આપી દેવી, રાત્રી રોકાણ માટે પણ પરમીટ આપી દેવી. તેમજ પરીક્રમા રૂટ પર યોગ્ય પ્રમાણમાં દુધનો પુરવઠો નિયત ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરવી. જે જગ્યા પર ઘોડીના ચડાણ દરમ્યાન ઉંડી ખીણ આવતી હોય ત્યાં બેરીકેટ મુકવા. તેમજ પરીક્રમાનાં રૂટ પર રાત્રી રોકાણની જગ્યા પર સીસી ટીવી કેમેરા મુકવાની વ્યવસ્થા કરવા માંગણી ઉઠવા પામી છે. સંદેશા વ્યવહાર માટે મોબાઈલ કંપનીને પણ ફ્રીકવન્સી વધારવાની જરૂર છે. દરમ્યાન ગોરખનાથ શિખરથી દત્ત શિખર સુધીની લાઈટો બંધ છે તે વહેલી તકે ચાલુ કરી દેવી. આ ઉપરાંત પરીક્રમામાં આવતા યાત્રીકો માટે એસટી બસ અને રેલ્વેની સુવિધા વધુ વધારવાની જરૂર છે. ભવનાથ તળેટી ખાતે સેનીટેશન અને સફાઈની વ્યવસ્થા ઉપરાંત પરીક્રમાનાં રૂટ પર જયાં લાખો ભાવિકો પરીક્રમા અર્થે આવતા હોય છે ત્યારે તેઓને અગવડતા ન પડે તે માટે હંગામી ધોરણે ટોઈલેટ બોકસ મુકવા સહીતનાં અનેક પગલાની જરૂર છે. જૂનાગઢ જીલ્લા કલેકટર યોગેશ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પરીક્રમા અંગેની અવાર નવાર બેઠક મળે છે ત્યારે આગામી લીલી પરીક્રમામાં ભાવિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને ધ્યાને લઈ વહેલી તકે એકશન પ્લાન ઘડી કાઢી આની અમલવારી યુધ્ધનાં ધોરણે કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
પરીક્રમા દરમ્યાન દામોદરકુંડમાં સ્નાન માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવા માંગ
ગરવા ગીરનાર ખાતે આગામી યોજાનારી લીલી પરીક્રમાની તૈયારીનાં ભાગરૂપે તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવી રહયા છે. અને જે અંગેની બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. ભવનાથ ક્ષેત્ર એટલે લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવેલા ધાર્મિક સ્થળોએ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. તેમજ ખાસ કરીને ગીરનારની લીલી પરીક્રમા પૂર્ણ કર્યા બાદ શ્રધ્ધાળુઓ સુપ્રસિધ્ધ દામોદર કુંડ ખાતે આવી પહોંચતા હોય છે. જયાં પવિત્ર કુંડમાં સ્નાન કરી અને પરીક્રમાની પૂર્ણાહુતિ કરતા હોય છે. આમપણ દામોદર કુંડ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ દરમ્યાન લાખો ભાવિકો પવિત્ર દામોદર કુંડ ખાતે શ્રાધ્ધકર્મ, પિતૃતર્પણ વિધિ સહીતનાં કાર્યક્રમો માટે આવતા હોય છે. અને આ પવિત્ર ધામને કાયમને માટે સ્વચ્છ અને ત્યાં પાણીનો પુરવઠો પણ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપવી જરૂરી છે. પરીક્રમા દરમ્યાન પણ દામોદર કુંડ ખાતે આવતા શ્રધ્ધાળુઓ માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની પણ લાગણી ભાવિકોમાં પ્રવર્તી રહી છે.


