ગિરનારમાં હરણ પ્લાસ્ટિક ખાતા હોવાનો વિડીયો વાયરલ : વન્યજીવોના અસ્તિત્વ સામે ગંભીર સવાલો
ભવનાથ અને જંગલ વિસ્તારમાં પ્રાણીઓની અવર-જવર છતાં એકપણ સાઈનબોર્ડ નહીં
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢ નજીકના ગિરનાર જંગલના ચિત્તલ (હરણ)નું એક ટોળું રેવન્યુ વિસ્તારમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિક પડ્યું હોય ત્યાં ખાતા હોય તેવા દૃશ્યો એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે અને વન્યજીવોના અસ્તિત્વ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશ દ્વારા નજીક રાત્રિના ૧૨:૩૨ વાગ્યે સાબર જંગલ વિસ્તાર છોડી ભવનાથના રસ્તા પર આંટાફેરા મારતું જાેવા મળ્યું હતું, જેનો રાહદારીએ વીડિયો બનાવ્યા હતો. ગિરનાર આસપાસના વિસ્તારમાં સિંહ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓની અવરજવર હોવા છતાં પણ વન વિભાગ દ્વારા રસ્તાઓ પર હજુ સુધી લોકો અને પ્રાણીઓની સુરક્ષા-સલામતીને લઈ સાઈન બોર્ડ મારવામાં આવ્યું નથી, જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બને તેવો ભય ફેલાયો છે.
દરમ્યાન હરણના પ્લાસ્ટિક ખાતા હોવાના વાઇરલ વીડિયો અંગે ખુલાસો આપ્યો છે અને જણાવ્યું હતું કે, હાલ જે વીડિયો વાઇરલ થયો છે, તેમાં ગિરનાર અભયારણ્યમાંથી બહાર નીકળીને રેવન્યુ વિસ્તારમાં ચિત્તલ (હરણા) જંગલ નજીક પ્લાસ્ટિક ખાઈ રહ્યું છે. ખોરાકની શોધમાં આ ચિત્તલ હરણા બહાર આવ્યા હોય અને તે ખોરાકની શોધમાં ફરતા હોય છે. વધુમાં ડીસીએફ અક્ષય જાેશીએ તમામ ગામવાસીઓ અને શહેરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું કે, લોકો પોતાના ઘરમાં જે જમવાનું બચે, તેને પોતાના ઘરની બહાર ન રાખે. બચેલા ખોરાકનો વૈજ્ઞાનિક અને યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવે. ગિરનાર જંગલ નજીક વસતા ગામના લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તો યોગ્ય રીતે તેનો નિકાલ કરે અને કચરાપેટીમાં જ નાખે.
ડીસીએફ અક્ષય જાેશીએ માહિતી આપી કે, દાતાર ડુંગર નજીકથી જ ગીર અભયારણ્ય વિસ્તાર શરૂ થાય છે, જેને લઈને દાતાર પર્વત પર જનારા લોકોને પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ ચેક કરવામાં આવે છે અને આવા લોકોને પ્લાસ્ટિક પણ લઈ જવા દેવામાં આવતું નથી. જાેકે, પ્રશ્ન એ છે કે ભવનાથ ક્ષેત્ર અને અન્ય પ્રવેશ માર્ગો જ્યાં માનવ અવરજવર વધારે છે, ત્યાં વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે સાઇનેજ બોર્ડ કેમ લગાવવામાં આવતા નથી?
ચિત્તલના પ્લાસ્ટિક ખાવાના વીડિયો વાઇરલ થયા બાદ, વન વિભાગના અધિકારીઓ અચાનક જાગૃતિનો સંદેશો આપી રહ્યા હોય તેમ લોકોને પ્લાસ્ટિક મામલે જાગૃતિ લાવવા સંદેશો આપવામાં આવ્યો હતો. પરંતુ ભવનાથ ક્ષેત્રમાં પ્રાણીઓ અને લોકોની સલામતી અને સુરક્ષાને લઈ હજુ સુધી એક પણ સાઈન બોર્ડ મારવામાં નથી આવ્યું.


