ચાંદી રૂા.૪ લાખને પાર - સોનુ રૂા.૧.૭૯ લાખને સ્પર્શી ગયુ
સોના-ચાંદીમાં સતત બેફામ તેજી : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક સૌથી મોટો ઉછાળો
(બ્યુરો) રાજકોટ, તા. ૨૯
સોના-ચાંદીના ભાવમાં બેફામ તેજી અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરવા લાગી છે. ભાવ રોજેરોજ નવી ઉંચાઇ બનાવી રહ્યા છે. આજે નવો ઇતિહાસ રચાયો છે. કોમોડીટી એકસચેંજમાં ચાંદી રૂા.૪,૦૦,૦૦૦ને પાર કરી
ગઇ છે જયારે સોનુ ૧.૭૯ લાખને વટાવી ગયું છે.
સોના-ચાંદીના ભાવમાં આજે વધુ જોરદાર અને રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. એક જ દિવસમાં સોનુ ૧૦,૦૦૦ ઉંચકાયું હતું જે કદાચ એક દિવસનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે.
કોમોડીટી એકસચેંજમાં રૂા. ૯૬૮૨ના ઉછાળાથી ૧,૭૫,૫૯૭ બોલાતુ હતું જે ઉંચામાં ૧,૭૯,૦૦૦ થયું હતું. વિશ્વબજારમાં સોનુ ૫૬૦૦ ડોલરની નજીક પહોંચી ગયું હતું. ઉંચામાં ૫૫૯૧ ડોલર થઇને કુલ ૧૨૭ ડોલરના ઉછાળાથી ૫૫૪૧ ડોલર સાંપડયું હતું.
આ જ રીતે ચાંદીએ પણ નવો ઇતિહાસ રચ્યો છે. કોમોડીટી એકસચેંજમાં ચાંદીનો ભાવ ૪,૦૦,૦૦૦ને ક્રોસ કરી ગયો હતો. ગત રાત્રે જબરદસ્ત તેજી
આજે પણ આગળ ધપી હતી અને શરૂઆતથી જ સડસડાટ ભાવ ઉંચે ચડતા રહ્યા હતા.
વિશ્વબજારમાં ૧૧૭.૩૨ ડોલરનો ભાવ સાંપડયો હતો. કોમોડીટી એકસચેંજમાં ૧૭,૬૦૦ના ઉછાળાથી ૪,૦૩,૦૦૦નો ભાવ હતો જે ઉંચામાં ૪,૦૭,૭૫૬ થયો હતો. અભુતપૂર્વ તેજીના પગલે ઝવેરી બજારમાં સોંપો પડી ગયો છે અને ભાવ કયાં જઇને અટકશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.


