જૂનાગઢની કુખ્યાત બંગલા ગેંગના ૩ આરોપી રાજકોટના ખીરસરા ગામેથી ઝડપાયા
જૂનાગઢ તા.૨૭
જૂનાગઢ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ગુના આચરી લોકોમાં ભય ફેલાવનાર બંગલા ગેંગના ૯ મહિનાથી ફરાર ૩ આરોપીને પોલીસે રાજકોટના ખીરસરાથી ઝડપી લઇ ૫ દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બંગલા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી કરસન ગલા મોરી અને દિલો ભગા છેલાણા છેલ્લા એક વર્ષથી જેલમાં છે. જ્યારે આરોપી ભાવિન ખોડા બઢ, નિલેશ ખોડા બઢ અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુંણ છેલ્લા ૯ મહિનાથી ફરાર હતા. આરોપીઓ વિરુદ્ધ ફરાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પણ મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
દરમ્યાન ત્રણેય આરોપી રાજકોટ જિલ્લાના ખીરસરા ગામે છુપાયેલા હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાવિન ખોડા, નિલેશ ખોડા, જાદવ ઉર્ફે લાખોની ધરપકડ કરી વધુ તપાસ પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ પર મેળવેલ છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં ભાવિન ખોડા વિરુદ્ધખંડણી, મારામારી, હુમલો સહિત ૧૪ ગુના, નિલેશ ખોડા અને જાદવ ઉર્ફ લાખો સામે ૯-૯ ગુના નોંધાયા હતા.
વધુમાં બંગલા ગેંગ દ્વારા કોઈ વ્યક્તિને સીધી કે આડક્તરી રીતે હેરાન કરવામાં આવ્યા હોય અથવા મિલક્ત પચાવવી પાડવામાં આવી હોય તો તે અંગેની ફરિયાદ માટે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન પોલીસનો સંપર્ક કરવો. તેમ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું છે.


