જૂનાગઢની ડૉ. સુભાષ મહિલા કોલેજમાં આત્મહત્યા નિવારણ અંગે પરિસંવાદ યોજાયો

ચેતવણીરૂપ સંકેતોની સમયસર ઓળખ, ભાવનાત્મક સહયોગ, કાઉન્સેલિંગ અને તબીબી સારવારના મહત્વ અંગે નિષ્ણાતોએ વિદ્યાર્થીનીઓને આપ્યું માર્ગદર્શન

જૂનાગઢની ડૉ. સુભાષ મહિલા કોલેજમાં આત્મહત્યા નિવારણ અંગે પરિસંવાદ યોજાયો

જૂનાગઢ, તા.૧૦
જીવનમાં આવતી મુશ્કેલીઓ અને માનસિક તણાવ સામે સકારાત્મક અભિગમ, યોગ્ય માર્ગદર્શન તથા સમયસર સહાય મહત્વપૂર્ણ બની શકે છે. આ સંદેશ સાથે ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ નિમિત્તે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાના આદ્યસ્થાપક પૂજ્ય બાપુજીને સ્મરણાંજલિ અર્પણ કર્યા બાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બલરામ ચાવડાએ જીવનમાં આવતાં પડકારો અને તણાવનો સામનો કરવા મનોબળ મજબૂત રાખવા તથા સકારાત્મક અભિગમ કેળવવા વિદ્યાર્થીનીઓને અનુરોધ કર્યો હતો.
પરિસંવાદમાં સિવિલ હોસ્પિટલ, જૂનાગઢના મનોવૈજ્ઞાનિક સુમિત વડસરિયાએ આત્મહત્યાના જોખમ સાથે જોડાયેલા માનસિક અને સામાજિક પરિબળો તેમજ વ્યક્તિના વર્તનમાં જોવા મળી શકે તેવા ચેતવણીરૂપ સંકેતો અંગે સમજ આપી હતી. તેમણે વર્તનમાં અચાનક ફેરફાર, એકલવાયું રહેવું અને સતત નકારાત્મક વિચારો કે વાતચીત જેવા સંકેતોને ગંભીરતાથી લેવા તથા સંબંધિત વ્યક્તિને સમજણપૂર્વક સાંભળી સમયસર ભાવનાત્મક અને વ્યાવસાયિક સહાય ઉપલબ્ધ કરાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. સોહમ બુચે આત્મહત્યા નિવારણ સાથે જોડાયેલા તબીબી અને ક્લિનિકલ પાસાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડિપ્રેશન અને એન્ઝાઈટી જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની સમયસર ઓળખ, યોગ્ય તબીબી સારવાર અને વ્યાવસાયિક કાઉન્સેલિંગના મહત્વ વિશે સમજ આપી હતી. સંકટની સ્થિતિમાં હેલ્પલાઇન અથવા તબીબી સેવાઓની મદદ લેવામાં વિલંબ ન કરવા પણ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. અશોક કંટારિયાએ કર્યું હતું, જ્યારે શાંતીબેન કાંબરિયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે બંને નિષ્ણાતોને સંસ્થા તરફથી આભારદર્શક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પરિસંવાદમાં કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા.