જૂનાગઢમાં વન વિભાગની સમીક્ષા બેઠક: ડેમની સંગ્રહ ક્ષમતા વધારવાથી લઈ ગિરનારની સુવિધાઓ અંગે મંથન

વન મંત્રી અર્જુન મોઢવાડિયાની સૂચના; મહાશિવરાત્રી મેળા અને લીલી પરિક્રમા માટે લાંબા ગાળાના આયોજન પર ભાર

જૂનાગઢમાં વન વિભાગની સમીક્ષા બેઠક: ડેમની સંગ્રહ ક્ષમતા વધારવાથી લઈ ગિરનારની સુવિધાઓ અંગે મંથન

જૂનાગઢ તા.22
જૂનાગઢ શહેર અને જિલ્લાના વન વિભાગને લગતા વિવિધ મુદ્દાઓને લઈને સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં હસનાપુર અને વિલિંગ્ડન ડેમના જળાશયોમાં ભરાયેલા કાંપને દૂર કરી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવાના મુદ્દે વિશેષ ચર્ચા થઈ હતી. મંત્રીએ સંબંધિત વિભાગોને આ કામગીરી માટે જરૂરી પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે જળસંગ્રહ વધારવાનું મહત્વ માત્ર માનવ જરૂરિયાત પૂરતું મર્યાદિત ન રાખતા વન્યજીવો અને સમગ્ર પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
ગિરનાર વિસ્તારના ચેકડેમોમાંથી પણ કાંપ દૂર કરીને પાણી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને ઉનાળાના સમયગાળામાં વન્ય પ્રાણીઓને પાણી ઉપલબ્ધ રહે તે માટે આવા જળસ્ત્રોતોને વધુ ઉપયોગી બનાવવા પર ભાર મૂકાયો હતો.
જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રી મેળા અને ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમની સુરક્ષા અને સુવિધાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભવનાથ તળેટી વિસ્તારમાં ભીડ અને વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા તથા વન વિભાગ સંકલનથી લાંબા ગાળાનું આયોજન કરે તેવી સૂચના આપવામાં આવી હતી.
લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને જરૂરી સુવિધા મળી રહે તે માટે વનવિસ્તારમાં શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ માટે ટોયલેટ બ્લોકની ડિઝાઇન તૈયાર કરી પ્રસ્તાવ રજૂ કરવા મંત્રીએ સંબંધિત તંત્રને જણાવ્યું હતું.
આ ઉપરાંત વન વિભાગના હસ્તકના વિસ્તારોમાં થયેલા દબાણો સામે કાર્યવાહી કરવા તેમજ વિવિધ સ્થળોએ જરૂરી વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવા અંગે પણ મંત્રીએ સૂચનાઓ આપી હતી. રસ્તાઓના રિસરફેસિંગ માટે જરૂરી વન વિભાગની એનઓસી સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગિરનાર આવતા પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ વિકસાવવાના હેતુથી સવેનિયર શોપ અને ફૂડ કોર્ટ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે પણ વિચારવિમર્શ થયો હતો. ગિરનારના કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક પર્યટનને વધુ પ્રોત્સાહન મળે તે રીતે વિકાસનું આયોજન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મહાશિવરાત્રી મેળા અને લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની સુવિધાઓ વિકસાવવા માટે સૂચનો રજૂ કર્યા હતા. સાથે જ ગિરનાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, રેલવે અને માર્ગ વિકાસ સહિતના અન્ય મુદ્દાઓ પણ બેઠકમાં ચર્ચાયા હતા.
બેઠક બાદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ગીર વિસ્તારના હોમ સ્ટે સંચાલકોની રજૂઆતો સાંભળી હતી. જનપ્રતિનિધિઓ અને ખેડૂતો તરફથી મળેલી રજૂઆતો અંગે સરકારનો હકારાત્મક અભિગમ હોવાનું જણાવતાં તેમણે વન વિભાગના અધિકારીઓને જરૂરી સર્વે કરવાની સૂચના આપી હતી.