જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને NAEAB-ICARનું ‘A’ ગ્રેડ, ૪માંથી મેળવ્યો ૩.૧૭નો સ્કોર

કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓના મૂલ્યાંકન બાદ મળી માન્યતા; ૨૭ માર્ચ ૨૦૩૧ સુધી રહેશે અમલમાં

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને NAEAB-ICARનું ‘A’ ગ્રેડ, ૪માંથી મેળવ્યો ૩.૧૭નો સ્કોર

જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. National Agricultural Education Accreditation Board (NAEAB), Indian Council of Agricultural Research (ICAR), New Delhi દ્વારા યુનિવર્સિટીને ‘A’ ગ્રેડની માન્યતા આપવામાં આવી છે. મૂલ્યાંકનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ૪.૦૦માંથી ૩.૧૭નો સ્કોર મેળવ્યો છે. આ માન્યતા ૨૭ માર્ચ, ૨૦૩૧ સુધી અમલમાં રહેશે.
યુનિવર્સિટી તેમજ તેના હેઠળ કાર્યરત વિવિધ મહાવિદ્યાલયો અને અભ્યાસક્રમોની માન્યતા માટે NAEAB-ICAR સમક્ષ Self-Study Report એટલે કે SSR રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના મૂલ્યાંકન બાદ NAEAB-ICARની Peer Review Team દ્વારા તા.૨૭થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યુનિવર્સિટીની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી.
પાંચ દિવસની મુલાકાત દરમિયાન ટીમે યુનિવર્સિટી કેમ્પસ, વિવિધ મહાવિદ્યાલયો, શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓ તેમજ સંશોધન કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કૃષિ શિક્ષણની ગુણવત્તા, સંશોધન કામગીરી, વિસ્તરણ પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ સહિતના વિવિધ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર મૂલ્યાંકનના આધારે યુનિવર્સિટીને ૩.૧૭ના સ્કોર સાથે ‘A’ ગ્રેડ આપવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર આ માન્યતા પાછળ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા છે. ICAR સાથે સંકળાયેલી આ માન્યતાથી કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીની રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠાને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટીયાએ આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના અધિકારીઓ, વિવિધ મહાવિદ્યાલયોના આચાર્યો, પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલો ‘A’ ગ્રેડ ગુણવત્તાયુક્ત કૃષિ શિક્ષણ, સંશોધન અને ખેડૂતલક્ષી વિસ્તરણ પ્રવૃત્તિઓ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આગામી સમયમાં પણ કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામગીરીને વધુ આગળ વધારવામાં આવશે.
NAEAB-ICARના ધારાધોરણો મુજબ જરૂરી કર્મચારી મહેકમ અને વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ પણ માન્યતા પ્રક્રિયામાં મહત્વપૂર્ણ હોય છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે આપવામાં આવેલી મંજૂરી તેમજ માળખાકીય સુવિધાઓ માટે મળેલા સહયોગ બદલ યુનિવર્સિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા તેમજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે.