જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર યોજાઈ રહેલું મતદાન : ૧૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની કુલ ૧૬ બેઠકો પૈકી વેપારી વિભાગની ૪ અને સહકારી ખરીદ-વેચાણ વિભાગની ૨ બેઠકો મળીને કુલ ૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ખેડૂત વિભાગની બાકી રહેલી ૧૦ બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં ભાજપ પ્રેરિત ૧૦ અને આમ આદમી પાર્ટી પ્રેરિત ૭ ઉમેદવારો મળીને કુલ ૧૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાન મથક પર સવારથી જ મતદારોની લાંબી લાઈનો જાેવા મળી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બિનહરીફ થયેલા વિજેતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે આજે ખેડૂત પેનલ વિભાગની ૧૦ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં જૂનાગઢ તાલુકાના ૪૫ ગામોના ખાતેદાર ખેડૂતો અને મંડળીની વ્યવસ્થાપક કમિટીના નિયામક મંડળના સભ્યો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહયા છે. તેમણે બિનહરીફ બેઠકો અંગે સ્પષ્ટતા કરી હતી કે યાર્ડના વિકાસની દિશાને ધ્યાનમાં રાખીને વેપારી મિત્રોએ એકસંપ થઈ ર્નિણય લેતા વેપારી વિભાગના ૪ ડિરેક્ટરોની બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે સહકારી સંઘની ૨ બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ છે. તેમણે આવતીકાલે જાહેર થનારા પરિણામમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલનો ભવ્ય વિજય થશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી અધિકારી એન. ડી. ગોહિલે જણાવ્યું હતું કે કુલ ૧૬ બેઠકોની ચૂંટણી પ્રક્રિયામાંથી ૬ બેઠકો બિનહરીફ થયા બાદ હવે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૭ ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ રહી છે. ખેડૂત વિભાગ માટે કુલ ૯૫૫ નોંધાયેલા મતદારો છે, જેમના મતદાન માટે સુવ્યવસ્થિત ૩ મતદાન બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. સવારે ૯ વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે ૫ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારે ૯ વાગ્યાથી જ મતગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે અને પરિણામ જાહેર કરાશે.


