જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેણેજ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો : આશરે 100 જેટલી બોટલ રક્તનું દાન એકત્ર થયું
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.1
માંગરોળ તાલુકાના મેણેજ ગામે સામાજિક સેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગામના યુવાનો, આગેવાનો, મહિલાઓ તેમજ વિવિધ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. કેમ્પ દરમિયાન આશરે 100 જેટલી બોટલ રક્ત એકત્ર થતાં આયોજકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રક્તની અછતનો સામનો કરતા દર્દીઓ માટે આ રક્તદાન જીવનદાયી સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું રક્ત અનેક દર્દીઓને નવું જીવન આપી શકે છે. કેમ્પમાં પ્રથમ વખત રક્તદાન કરનારા યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓને ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપસિંહ રાઠોડ દ્વારા પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગામના આગેવાનો અને સમાજસેવકોએ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન કરે તેવી અપીલ કરી હતી. મેણેજ ગામમાં યોજાયેલ આ રક્તદાન કેમ્પ માનવસેવાના ઉત્તમ કાર્ય તરીકે ચર્ચાનો વિષય બન્યો છે અને ગામલોકોની સામાજિક જાગૃતિનું સુંદર ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢ જીલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ગુજરાત ન્યુઝ ચીફ હરદેવસિંહજી રાયજાદા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા, કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, વેલજીભાઈ મસાણી, સાવજ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખાટારીયા, રાજભા ચુડાસમા મામા સરકાર, તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, ભાજપ તાલુકા પ્રમુખ અરજણભાઈ આંત્રોલીયા, માંગરોળ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, દ્વારકા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જેઠાભાઈ નંદાણીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશ ડાભી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


