જૂનાગઢ જિલ્લાની 10 ITI માં 3392 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ
મહિલા તાલીમાર્થીઓને “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” હેઠળ રૂ. 24000 સુધીની સહાય
જૂનાગઢ તા.26
પ્રવર્તમાન સમયમાં ડિગ્રી નહીં, પણ 'સ્કિલ' -કૌશલ્ય જ સફળતાની અસલી ચાવી છે. આ સ્કિલ વધુ નિખાર આપવાની તક પૂરી પાડે છે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ. જેને આઈટીઆઈ તરીકે વધુ પ્રચલિત ઓખળ છે. જિલ્લામાં તેવી 10 સરકારી ITI આવેલી છે. હાલ તેમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ એન્જિનિયરિંગ અને નોન-એન્જિનિયરિંગ ટ્રેડની 3,392 બેઠકો પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
જૂનાગઢ જિલ્લામાં જુદા જુદા આઈટીઆઈ અને ટ્રેડમાં 3392 જેટલી જગ્યાએ છે. જેમાં જૂનાગઢ ITIમાં 1012, તેવી જ રીતે જૂનાગઢ મહિલા ITIમાં 224, ITI મેંદરડામાં 236, ITI ભેસાણમાં 240, ITI વંથલી-સોરઠમાં 260, ITI વિસાવદરમાં 240, ITI માણાવદરમાં 244, ITI કેશોદમાં 416, ITI માલીયા-હાટીનામાં 232 અને ITI માંગરોળની 288 બેઠકોનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરી શકશે. પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ આધારિત રહેશે. ધોરણ 8 અને 10 પાસ વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકશે.
સરકાર દ્વારા ITI તાલીમાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તાલીમ દરમિયાન પ્રેક્ટિકલ આધારિત તાલીમ, આધુનિક વર્કશોપ, અનુભવી ઈન્સ્ટ્રક્ટર દ્વારા માર્ગદર્શન તથા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવે છે. કેટલીક સંસ્થાઓમાં ગર્લ્સ માટે હોસ્ટેલ, રમતગમત, પુસ્તકાલય, ઈ-લર્નિંગ અને કેમ્પસ ઈન્ટરવ્યૂ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તાલીમ પૂર્ણ થયા બાદ એપ્રેન્ટિસશિપ તથા રોજગારી માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.
ITI પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓ NCVT/SCVT પ્રમાણપત્રના આધારે વિવિધ સરકારી તથા ખાનગી ઉદ્યોગોમાં રોજગારી મેળવી શકે છે. ઉપરાંત તાલીમાર્થીઓ CITS, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં લેટરલ એન્ટ્રી, અપ્રેન્ટિસશિપ તાલીમ, તેમજ મહિલા તાલીમાર્થી માટે નમો લક્ષ્મી યોજનાનો લાભ તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ પાત્ર બને છે. ઘણા ટ્રેડમાં સ્વરોજગારી અને સ્ટાર્ટઅપ માટે પણ વિશાળ તકો ઉપલબ્ધ છે.
સરકાર દ્વારા ITIમાં પ્રવેશ લેનાર તાલીમાર્થીઓ માટે વિવિધ આર્થિક સહાય યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે. ITIમાં પ્રવેશ લેનાર તાલીમાર્થીઓને યુનિફોર્મ સહાયરૂપે રૂ. 2000ની સહાય પણ આપવામાં આવે છે. દિવ્યાંગ તાલીમાર્થીઓને મુસાફરી ખર્ચ પેટે દર મહિને રૂ. 3000 સુધીની સહાય આપવામાં આવે છે. તથા ફ્રી એસ.ટી. બસ પાસ, સમાજ કલ્યાણ ખાતા તરફથી શિષ્યવૃતિ, તાલીમાર્થીને 4 લાખનો અક્સ્માત વીમો જેવી સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત મહિલા તાલીમાર્થીઓ માટે વિશેષ યોજનામાં મહિલા તાલીમાર્થીઓ માટે “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” હેઠળ એક વર્ષના કોર્સ માટે રૂ. 15000 તથા બે વર્ષના કોર્સ માટે રૂ. 24000 સુધીની સહાય આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરતી વખતે આધારકાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો), પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે. ઉમેદવારોએ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ પસંદગીના ટ્રેડ અને ITI પસંદ કરી અરજી સબમિટ કરવાની રહેશે. મેરિટ જાહેર થયા બાદ નિર્ધારિત સમયમર્યાદામાં ફી ભરવી જરૂરી રહેશે.
ITI અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ટેક્નિકલ કૌશલ્ય સાથે રોજગારી અને સ્વરોજગારીની ઉત્તમ તક પ્રાપ્ત થાય છે. વિવિધ ઉદ્યોગોમાં કુશળ ટેક્નિશિયનની વધતી માંગને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે ITI અભ્યાસ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ નજીકની સરકારી ITI સંસ્થાનો સંપર્ક કરી શકે છે અથવા અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. તેમ જૂનાગઢ આઇ.ટી.આઇ. સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.


