જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિરનો વીસમો  પાટોત્સવ ૨૫૧ યજ્ઞકુંડની  આહૂતિ સાથે ધામધૂમપૂર્વક ઉજવાયો

વર્ષ ૨૦૦૬ માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આ અક્ષર મંદિરની ભેટ જૂનાગઢવાસીને આપેલી

જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિરનો વીસમો  પાટોત્સવ ૨૫૧ યજ્ઞકુંડની  આહૂતિ સાથે ધામધૂમપૂર્વક ઉજવાયો

જૂનાગઢ તા.૪
ઈસવીસન ૨૦૨૬નાં આ વર્ષે  જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાને ૨૦ વર્ષ પૂરાં થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ BAPS સત્સંગ મંડળ દ્વારા ગઈ કાલે અક્ષરવાડી ખાતે "મંદિરનો ૨૦ મો ર્વાષિક પાટોત્સવ" વહેલી સવારે  બ્રાહ્મમુહૂર્તે  વિવિધ પૂજાવિધિ ભક્તિ રીતિઓ સાથે દિવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
અક્ષર મંદિરમાં વિશાળ બાહ્ય પ્રદક્ષિણા પથથી લઈ મંદિરના પોડિર્યમ સુધી ગોઠવાયેલા યજ્ઞ કુંડો ઉપર હરિભક્તો સજોડે  યજ્ઞમાં જોડાયેલા  તે દ્રશ્ય દિવ્ય અને  સુંદર લાગતું હતું. કુલ ૨૫૧ કુંડ પર કુલ ૨૦૫૧ યજમાનો યજ્ઞમાં જોડાયા હતા. સારંગપુર સંસ્કૃત પાઠશાળાનાં કર્મકાંડમાં નિષ્ણાંત એવા ત્રણ વિધ્વાન શાસ્ત્રીઓએ પુરોહિત તરીકે આ યજ્ઞ , વેદોક્ત વિધિથી કરાવીને સમગ્ર પરિસર વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠયું હતું. સૌરાષ્ટ્રના BAPS મંદિરોના કોઠારી સંતો સાથે BAPS સંસ્થાના સદગુરુવર્ય પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ મુખ્ય અતિથિ વિશેષ પદે પધારીને યજ્ઞ વિધિમાં જોડાયા હતા અને ત્યારબાદ મધ્ય ખંડમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજને પંચામૃત અને કેસર જળનો અભિષેક તેમણે કર્યો હતો. યજ્ઞના અંત ભાગે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ ભગવાન સમક્ષ જાહેર પ્રાર્થના કરી હતી કે "વિશ્વમાં અત્યારના અજંપાભર્યા અને અશાંતિભર્યા યુદ્ધ માહોલમાં  સર્વત્ર શાંતિ પ્રસરે અને સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મના ડંકા વાગે." આ વીસમાં પાટોત્સવ પર્વ પ્રસંગે સમગ્ર સોરઠ પંથકના હરિભક્તો અને મૂળ જૂનાગઢના પરંતુ વ્યવસાય અર્થે દેશ વિદેશ સ્થાયી થયેલા હરિભક્તો પણ પધાર્યા હતા. અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૦૬ માં વિશ્વ વંદનીય પ્રમુખસ્વામી મહારાજે આ બીએપીએસ  મંદિરની સુંદર ભેટ  જૂનાગઢ વાસીઓને ધરી હતી.