ડો. સુભાષ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ઉડાન ટ્રેડ ફેર’માં ઉત્સાહભેર પ્રતિસાદ: ૮૦૦૦ મુલાકાતીઓ અને રૂા.૮ લાખથી વધુ વેચાણ

ડો. સુભાષ યુનિવર્સિટી  દ્વારા આયોજિત ‘ઉડાન ટ્રેડ ફેર’માં ઉત્સાહભેર પ્રતિસાદ: ૮૦૦૦  મુલાકાતીઓ અને રૂા.૮ લાખથી વધુ વેચાણ

જૂનાગઢ તા. ૧૩
ડૉ. સુભાષ યુનિવર્સિટી ખાતે કાર્યરત વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જુનાગઢના એ.જી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે “ઉડાન” ટ્રેડ ફેર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન ડૉ. સુભાષ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી જવાહરભાઈ ચાવડા, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર  તેજસ પરમાર તથા જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી ચેતન સોજીત્રાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ટ્રેડ ફેરમાં મહિલાઓની સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ હસ્તકલા વસ્તુઓ, પર્સ, માટીની વસ્તુઓ, ડ્રેસ મટિરિયલ, કૂશન, રેઝિન આર્ટ, નેઇલ આર્ટ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ તેમજ ઘર સજાવટની આકર્ષક વસ્તુઓ સાથે કુલ ૭૦  સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્રણ દિવસ ચાલેલા આ ટ્રેડ ફેરમાં આશરે ૮૦૦૦ જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને સ્ટોલ પર ખરીદી-વેચાણનો ઉત્સાહજનક માહોલ જાેવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ મળી આશરે રૂા.૮,૦૦,૦૦૦ જેટલો વેચાણ નોંધાયું  હતો. આ ટ્રેડ ફેરમાં યુનિવર્સિટીના આશરે ૧૬૦ વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો, તેમજ ૩૦  મહિલા ઉદ્યોગસાહસિકોએ પોતાના સ્ટોલ દ્વારા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. આ મેળા દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા કેવી રીતે કરવામાં આવે, વ્યવસાય કેવી રીતે સંચાલિત કરવો અને માર્કેટિંગની પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે તેની પ્રાયોગિક સમજ અને મહત્વપૂર્ણ પાઠ મેળવવાની ઉત્તમ તક આપવામાં આવી.

ઉપરાંત, મહિલા સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા મહિલાઓના આરોગ્યની તપાસ, માર્ગદર્શન અને જરૂરી સલાહ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સાથે જુનાગઢમાં રહેતી અને ગૃહઉદ્યોગ ચલાવતી બહેનોને પણ નિ:શુલ્ક સ્ટોલ ફાળવી તેમની પ્રતિભા અને વ્યવસાયિક કુશળતા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક આપવામાં આવી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દીપક પટેલે વુમન ડેવલપમેન્ટ સેલની તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.