‘દૃશ્યમઃ ધ કન્કલૂઝન’માં ફરી ચાલશે વિજય સલગાંવકરનું દિમાગ, ૨ ઓક્ટોબરે રિલીઝ થશે અજય દેવગણની ફિલ્મ
દિગ્દર્શક અભિષેક પાઠકનો ખુલાસો—ટ્વિસ્ટ લખતી વખતે ટીમે સલગાંવકરની જેમ વિચાર્યું; દર્શકો આગળની ઘટના ન ધારી શકે તે માટે અપનાવી ખાસ રીત
મુંબઈ, તા.૧૬
અજય દેવગણની લોકપ્રિય ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દૃશ્યમઃ ધ કન્કલૂઝન’ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. અગાઉની બંને ફિલ્મોની જેમ આ વખતે પણ વિજય સલગાંવકરની બુદ્ધિ, તેની ગણતરીપૂર્વકની ચાલ અને કાયદાથી એક ડગલું આગળ રહેવાની ક્ષમતા વાર્તાના કેન્દ્રમાં જોવા મળશે. જોકે ત્રીજા ભાગમાં દર્શકો અગાઉથી ટ્વિસ્ટનો અંદાજ ન લગાવી શકે તે માટે લેખન દરમિયાન જ ખાસ રીત અપનાવવામાં આવી હોવાનું દિગ્દર્શક અભિષેક પાઠકે જણાવ્યું છે.
અભિષેક પાઠકના જણાવ્યા પ્રમાણે ‘દૃશ્યમ’ની અગાઉની બે ફિલ્મો જોયા બાદ દર્શકો હવે વાર્તામાં આવતી નાની-નાની વિગતો અને સંકેતોનું પણ વિશ્લેષણ કરવા ટેવાઈ ગયા છે. આ કારણે ત્રીજી ફિલ્મ માટે માત્ર સામાન્ય સસ્પેન્સ કે ટ્વિસ્ટ પૂરતા નહીં રહે તે વાત લેખન ટીમને શરૂઆતથી જ સ્પષ્ટ હતી.
અભિષેકે જણાવ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરતી વખતે લેખકો પોતે વિજય સલગાંવકરની જેમ વિચારવાનો પ્રયાસ કરતા હતા. સ્ક્રિપ્ટ નેરેશન દરમિયાન પણ તેઓ વચ્ચે અટકીને સામેની વ્યક્તિને પૂછતા કે હવે વાર્તામાં આગળ શું થશે? આ રીતે તેઓ તપાસતા હતા કે આગામી ઘટનાનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે કે નહીં.
દિગ્દર્શકના જણાવ્યા પ્રમાણે અજય દેવગણને સ્ક્રિપ્ટ સંભળાવતી વખતે પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. અભિષેકનો દાવો છે કે નેરેશન સાંભળનાર લોકો આગળ શું બનશે તેનો ચોક્કસ અંદાજ લગાવી શકતા નહોતા અને લેખન ટીમ માટે આ જ સૌથી મહત્વની બાબત હતી.
વિજય સલગાંવકરનું પાત્ર ‘દૃશ્યમ’ શ્રેણીમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પરિવારને બચાવવા માટેની તેની ચાલ અને આયોજન માટે જાણીતું રહ્યું છે. હવે ‘દૃશ્યમઃ ધ કન્કલૂઝન’માં પણ આ પાત્રની આસપાસ વધુ એક રહસ્યમય અને અનપેક્ષિત કહાણી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું દિગ્દર્શકે જણાવ્યું છે.
અજય દેવગણ અભિનીત ‘દૃશ્યમઃ ધ કન્કલૂઝન’ ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અગાઉના બંને ભાગ બાદ હવે ત્રીજી ફિલ્મમાં વિજય સલગાંવકરની કહાણી કઈ રીતે આગળ વધે છે અને મેકર્સ દર્શકો માટે કેવા નવા ટ્વિસ્ટ લઈને આવે છે તેના પર ચાહકોની નજર રહેશે.


