નોઈડામાં સ્લિપર બસ અગનગોળો બની : ૯ મુસાફરો જીવતા ભડથું

બસમાં આગ લાગતા બસ છોડીને ભાગી ગયેલા બે ડ્રાઈવર - કંડકટરની ધરપકડ  રાષ્ટ્રપતિ મૂર્મૂ - વડાપ્રધાન મોદીએ દુર્ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યુ

નોઈડામાં સ્લિપર બસ અગનગોળો બની : ૯ મુસાફરો જીવતા ભડથું

(બ્યુરો ઓફીસ) નવી દિલ્હી તા. ર૪
ઉત્તર પ્રદેશના મહાનગર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર સ્લિપર બસ અગનગોળો બની ગઈ હતી. આ ઘટનામાં ૯ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, જ્યારે ઘટના બની એ સમયે બસની અંદર ૩૫ લોકો હતા. કેટલાક લોકો આગમાં ભડથું થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ વિગત સામે આવી છે. ફાયરફાઈટર્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઠારી હતી. યમુના એક્સપ્રેસવે પર મુસાફરી કરી રહેલી એક પ્રવાસી બસમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના નોઈડાથી લગભગ ૩૪ કિલોમીટર દૂર આવેલા જેવાર કાર્ગાે એરપોર્ટ નજીક બની હતી. સળગતી બસનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે. આગ લાગતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પરિસ્થિતિ એવી હતી કે જીવ બચાવવા માટે સમયસર બસમાંથી નીચે કૂદકો મારવો પડ્યો. થોડી જ ક્ષણોમાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી. યમુના એક્સપ્રેસ વેથી ૩૨ કિમી આગળ આ ઘટના બની હતી. આ વિસ્તાર ઝેવર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. સમગ્ર કેસ અંગે કહ્યું હતું કે,બસમાં આગ લગતા જ બસમાં પ્રવાસીઓની બૂમ શરૂ થઈ ગઈ હતી. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી જ કુદવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં કુલ ૯ વ્યક્તિઓના મોત થયા છે. આ બસમાં કુલ ૫૦ જેટલા પ્રવાસીઓ હતા.આ ઘટના ગુરૂવારની મોડી રાત્રે બની છે. ગણતરીની સેકન્ડમાં જ આગ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ટીમે ભારે મહેનત કરવી પડી હતી. વહેલી સવાર સુધી કુલડાઉન કરવા માટેની પ્રક્રિયા ચાલુ રહી હતી. કેટલાક લોકોના મૃતદેહ હજું પણ અંદર હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ફાયરવિભાગની ટીમનું એવું કહેવું છે કે, રેસક્યૂ ઑપરેશન કરવામાં આવશે અને અંદર પછીથી જ જવામાં આવશે. એ પછી ખ્યાલ આવશે કે, કેટલા મૃતદેહ અંદર છે. સમગ્ર ઘટનાને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્પષ્ટતા કરી છે કે, જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના છે. ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય એ માટે તબીબી અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને બેસ્ટ સુવિધા આપવામાં આવે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા આ પીડિતોને પ્રાથમિકતા આપવામાં આવે. મૃતકોના પરિવારજનોને દરેક શક્ય મદદ કરવા માટેની ખાતરી આપી છે.  ટ્રાવેલ્સના માલિકની પણ પૂછપરછ થઈ શકે છે. સ્થાનિકોએ પણ પ્રવાસીઓને મદદ કરવા માટે પ્રયાસ કર્યા હતા. દરમ્યાનમાં આ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મૂ અને વડાપ્રધાન મોદીએ દુ:ખ અને અઘાતની લાગણી અનુભવી છે. મૃતકોનાં પરીવારજનોને રૂા. ર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે આ દુર્ઘટના અંગે વધુમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, બસમાં આગ લાગી ત્યારે બસનાં બે ડ્રાઈવર અને કંડકટર બસ છોડી નાસી છુટયા હતા જેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને ગુનાહિત બેદરકારી સહિતનાં આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.