પ્રાકૃતિક કૃષિ જમીનનું આરોગ્ય સુધારવાની સાથે જન આરોગ્ય પણ સુધારે છે : કુલપતિ ડો. વી.પી. ચોવટીયા
જૂનાગઢમાં કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો- અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયું
જૂનાગઢ, તા.૭
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં નવા આયામો સર્જાય તે માટે આજે જૂનાગઢ ખાતે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો- પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.
શહેરના સરદાર બાદ નજીક આવેલા લઘુ કૃષિ ભવન ખાતે આયોજિત આ ખુશી મેળામાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના ઉત્પાદનોનું નિદર્શન પણ કર્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષીય સંબોધન કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી. ચોવટીયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ જમીનનું આરોગ્ય સુધારવાની સાથે જન આરોગ્ય સુધારવાનું પણ કાર્ય થાય છે, તેમણે આ સંદર્ભમાં ખેડૂતોને સવિશેષ અનુરોધ કરતા કહ્યું હતું કે, આપણી ભાવિ પેઢીને સારી અને તંદુરસ્ત જમીન આપવી તે પણ એક ફરજ છે. એટલે જમીનને સાચવણી પણ એટલી જ જરૂરી છે.
તેમણે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીએ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે સંશોધનો હાથ ધર્યા છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જમીનની કેમિકલ, બાયોલોજીકલ અને ફિઝિકલ સ્થિતિમાં સુધારો આવે છે, સાથે જ જમીનમાં વરસાદી પાણી ઉતરવાની ક્ષમતા પણ સાડા ત્રણ ગણી વધે છે. ઉપરાંત ધરતીકંપ બાદ જે પૃથ્વીના પેટાળમાં ફેરફાર થયા છે તેના લીધે પણ પાણીમાં ક્ષારનું પ્રમાણ વધ્યું છે. જે જમીનની ગુણવત્તા ને પણ અસર કરે છે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર રાજ્ય સરકારને પણ ખેડૂતોની જમીનની દરકાર છે. દેશનો ખૂબ મોટો વર્ગ કૃષિ સાથે જાેડાયેલો છે, ત્યારે રાસાયણિક ખેતીથી ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે. આમ, જમીન ઉપજાવ ન બને તે માટે પ્રાકૃતિક કૃષિ જરૂરી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ભલામણ કરતા વધુ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે એટલે કે જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટીને ૦.૫ ટકા સુધી પહોંચી ગયો છે.
તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચે પાંચ આયામો અપનાવી પ્રાકૃતિક કૃષિ કરવા માટે અનુરોધ કરતા કહ્યું હતું કે, આજે પ્રાકૃતિક કૃષિ પેદાશની માંગમાં પણ સતત વધારો થયો છે. પ્રાકૃતિક કૃષિ પેદાશો તરફ એક મોટો વર્ગ પણ વળ્યો છે.
તેમણે કૃષિ માત્ર ભાગિયા આધારિત ન બની રહે તે માટે પણ ટકોર કરી હતી, ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે કૃષિ વૈજ્ઞાનિકો અને યુનિવર્સિટીઓ દ્વારા દેશી કોહવાયેલું અને ગળતિયું ખાતર નાખવાની ભલામણ કરી છે, જેથી જમીનમાં સૂક્ષ્મ તત્વો પણ વધે છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક એન.બી જાદવે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન બિન ઉપજાવ થઈ રહી છે, ત્યારે જમીનની સુધારણા માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે. પ્રાકૃતિક કૃષિથી જ લોકોનું સ્વાસ્થય અને જમીનનું સ્વાસ્થ્ય સુધરશે.આ તકે બાગાયત પોલિટેકનિકના પ્રિન્સિપલ ડો.એચ.એલ. કાચા અને કીટક શાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.એચ.એસ. ગોધાણીએ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત પશુ ચિકિત્સક ડો. એસ. બી. દુધાત્રાએ પશુ ઉછેર વિશે પણ વિગતવાર જાણકારી આપી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ સાવલિયા અને ચેતનાબેન નયનભાઈ બથાણીએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર નાયબ ખેતી નિયામક ડી. જી. રાઠોડે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક એસ.એમ. ગધેસરિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ સહિતના અધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મદદનીશ ખેતી નિયામક ડી. ડી. ત્રાડાએ આભારવિધિ કરી હતી.
| • રાસાયણિક ખાતરના અતિરેકભર્યા ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટ્યો, જમીન બિન ઉપજાવ બની રહી છે • પ્રાકૃતિક કૃષિ જમીનની કેમિકલ, બાયોલોજીકલ અને ફિઝિકલ સ્થિતિ સુધારે છે • પ્રાકૃતિક કૃષિથી જમીનમાં પાણી ઉતારવાની ક્ષમતા સાડા ત્રણ ગણી વધે છે |


