પોરબંદર : સાંદિપની આશ્રમ ખાતે CISFની ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’નું આગમન

દરિયાઈ સુરક્ષા એ માત્ર સુરક્ષા દળોની જવાબદારી નથી, પરંતુ દેશના દરેક જાગૃત નાગરિકની ફરજ છે, સુરક્ષિત તટ હશે, તો જ ભારત સમૃદ્ધ બનશે : અચિર્ત ખેતાન, ડેપ્યુટી કમાન્ડન્ટ, CISF

પોરબંદર : સાંદિપની આશ્રમ ખાતે CISFની ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’નું આગમન

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૫
દેશના દરિયાકાંઠાની સુરક્ષા અને જનજાગૃતિના ઉમદા હેતુ સાથે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ(CISF) દ્વારા આયોજિત ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬’ની ટીમનું પોરબંદરના સાંદિપની આશ્રમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ અચિર્ત ખેતાને કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સાયકલ યાત્રાનો પ્રારંભ ગત ૨૮ જાન્યુઆરીના રોજ કચ્છના લખપત કિલ્લાથી કરવામાં આવ્યો છે. 
૨૫ દિવસના આ પડકારજનક સફર બાદ ૨૨ ફેબ્રુઆરીએ આ યાત્રાનું સમાપન થશે. આ સાયક્લોથોનમાં કુલ ૧૩૦ સાયક્લિસ્ટો જોડાયા છે, જેઓ ભારતની પૂર્વીય અને પશ્ચિમી દરિયાઈ પટ્ટી પર અંદાજે ૬,૬૦૦ કિલોમીટરનું અંતર કાપશે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતા ૫૨ જેટલા દરિયાકાંઠાના ગામોને દત્તક લેવામાં આવશે. આ ગામોમાં ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો અમલ કરાવવા અને ગ્રામીણ જનતાને ‘નવા ભારત‘ના સંકલ્પ સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે. સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારતના સૂત્ર સાથે નીકળેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના આશરે ૭,૫૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષામાં સ્થાનિક માછીમાર સમુદાય અને વ્યાવસાયિકોની ભાગીદારી વધારવાનો છે. ડેપ્યુટી કમાન્ડન્ટ ખેતાને વધુમાં જણાવ્યું હતું કે, દરિયાઈ સુરક્ષા એ માત્ર એજન્સીઓની જ નહીં પરંતુ નાગરિકોની પણ જવાબદારી છે. જો દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તેની તાત્કાલિક જાણ સુરક્ષા એજન્સીઓને કરવા તેમણે અપીલ કરી હતી.