ભાદરવી અમાસ નિમિતે આજે દામોદરકુંડ ખાતે હજારો ભાવિકો ઉમટી પડયા

વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ તળેટી તરફ : પીતૃવંદના સહિતનાં કાર્યક્રમો યોજાયા

ભાદરવી અમાસ નિમિતે આજે દામોદરકુંડ ખાતે હજારો ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ તા. ૧૧
આજે ભાદરવી અમાસનાં પર્વે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા ભાવિકો દામોદરકુંડ ખાતે ઉમટી પડયા હતા. અને પીપળે પાણી રેડી પોતાના મૃત સ્વજનોનાં મોક્ષાર્થે તેમજ તેમના કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને પિતૃદેવો ભવ:નો જયઘોષ ગુંજી ઉઠયો હતો. પિતૃ કાર્ય માટેનાં શ્રેષ્ઠ સ્થળ એટલે જૂનાગઢનું દામોદરકુંડ ગણાય છે. ગઈકાલે અને આજે બીજા દિવસે શુક્રવારે ભાદરવી અમાસનું પર્વ સર્વત્ર મનાવવામાં આવી રહયું છે. શ્રાવણ માસનાં અંતિમ ત્રણ દિવસ એટલે કે બુધવારથી શુક્રવાર સુધી આરાવારાનાં દિવસો છે. પિતૃઓની પુજા અને તેમની તરસ છિપાવવા માટે તેમજ આશીર્વાદ મેળવવા માટે પીપળે પાણી રેડવું સર્વશ્રેષ્ઠ છે. આજે દામોદરકુંડ ખાતે ભાદરવી અમાસનો મેળો અને ભાવિકો દ્વારા પિતૃ તર્પણ વિધીનાં ભાવભેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી ભગવાનશ્રી કૃષ્ણએ શ્રાધ્ધ કર્મ કર્યુ હતું
ઈશ્વર ભકિતમાં સતત લિન રહેલા આદ્ય કવિ નરસિંહ મહેતાનાં જીવનકાળ દરમ્યાન બનેલા વિવિધ પ્રસંગોમાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાનાં પિતાનું શ્રાધ્ધ પોતે સ્વયં નરસિંહ મહેતાનું રૂપ ધરીને કર્યુ હોવાની લોક વાયકા છે. બાવન વખત જૂનાગઢની ધરતી ઉપર ભગવાને નરસિંહ મહેતાની ભકિતને કરણે પધારવું પડયું હતું તેવી આ પાવન પવિત્ર ભૂમિ ઉપર એક તરફ નરસિંહ મહેતા ભકિત રસમાં લિન હતા તેમના પિતાનાં શ્રાધ્ધ કર્મ પણ તેઓ વિસરી ગયા હતા પરંતુ આ સમયે પણ ભગવાન શ્રીકૃષ્ણ નરસિંહ મહેતાનું રૂપ લઈ નરસિંહ મહેતાનાં પિતાનું શ્રાધ્ધ કર્યુ હતું.