‘પ્રલય’ના સેટ પરથી રણવીર સિંહનો રગ્ડ લૂક લીક, ‘ધુરંધર’ સાથે થઈ સરખામણી

દાઢી-લાંબા વાળ સાથે પીઠ પર બાળકને બેસાડીને ચાલતો જોવા મળ્યો રણવીર; જય મહેતાની ફિલ્મમાં કલ્યાણી પ્રિયદર્શન પણ મહત્વની ભૂમિકામાં

‘પ્રલય’ના સેટ પરથી રણવીર સિંહનો રગ્ડ લૂક લીક, ‘ધુરંધર’ સાથે થઈ સરખામણી

મુંબઈ, તા.૧૧
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘પ્રલય’નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે અને આ દરમિયાન સેટ પરથી કેટલીક તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. લીક થયેલા વિઝ્યુઅલ્સમાં રણવીર દાઢી અને લાંબા વાળ સાથે રગ્ડ તથા ઇન્ટેન્સ અવતારમાં જોવા મળી રહ્યો છે. તેનો આ લૂક સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકો તેની સરખામણી ‘ધુરંધર’માં જોવા મળેલા રણવીરના લૂક સાથે કરી રહ્યા છે.
સેટ પરથી સામે આવેલા એક વીડિયોમાં રણવીર અન્ય કલાકારો સાથે ચાલતો જોવા મળે છે, જ્યારે તેની પીઠ પર એક બાળક બેઠેલું નજરે પડે છે. તેના કપડાં, લાંબા વાળ અને દાઢીવાળો દેખાવ ફિલ્મમાં મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે સંઘર્ષ કરતા પાત્ર તરફ સંકેત કરતો હોવાનું ચાહકો અનુમાન લગાવી રહ્યા છે. જોકે રણવીરના પાત્ર અંગે નિર્માતાઓએ હજુ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.
‘પ્રલય’ની વાર્તાને પણ હાલ મોટાભાગે ગુપ્ત રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર ફિલ્મ મુંબઈની પૃષ્ઠભૂમિમાં આકાર લેતી સર્વાઇવલ સ્ટોરી હોઈ શકે છે, જેમાં દુનિયાના અંત જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પાત્રો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળશે. જોકે ફિલ્મની સંપૂર્ણ કથાવસ્તુ અંગે સત્તાવાર માહિતી સામે આવવાની હજુ બાકી છે.
આ ફિલ્મનું દિગ્દર્શન ફિલ્મમેકર હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરી રહ્યા છે. રણવીર સિંહ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે નિર્માણ સાથે પણ જોડાયેલો હોવાનું જણાવાયું છે. ‘પ્રલય’નું નિર્માણ બિરલા સ્ટુડિયોઝ, ટુ સ્ટોરી ફિલ્મ્સ અને મા કસમ ફિલ્મ્સના સંયુક્ત બેનર હેઠળ થઈ રહ્યું છે.
ફિલ્મમાં રણવીર સાથે મલયાલમ અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન પણ જોવા મળશે. ‘લોકાહ: ચેપ્ટર ૧-ચંદ્રા’ બાદ ચર્ચામાં આવેલી કલ્યાણી અને રણવીરની નવી ઓનસ્ક્રીન જોડી પણ ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી રહી છે. હવે સેટ પરથી રણવીરનો લૂક લીક થયા બાદ ‘પ્રલય’ના સત્તાવાર ફર્સ્ટ લૂક અને ફિલ્મની વાર્તા અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.