ભવનાથ મહાદેવ, અંબાજી મંદિર મામલે સરકાર ટુંક સમયમાં ગાઈડલાઈન જારી કરે તેવી સંભાવના
બંને ધર્મસ્થાનોમાં મહંત પદની નિમણૂંકની પ્રક્રિયા પહેલા ચોકકસ રણનીતિ જાહેર થશે : સંચાલન સરકાર હસ્તક- મહંતને માત્ર સેવા-પૂજાનો અધિકાર અપાશે ?
જૂનાગઢ તા. ૪
લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર સમા ભવનાથ મહાદેવ અને અંબાજી મંદિર મામલે ટુંક સમયમાં સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. જૂનાગઢ નજીક ભવનાથ તળેટી ખાતે આવેલ ભવનાથ મહાદેવ મંદિર દેશભરનાં ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં દર વર્ષે શિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર પપ૦૦ પગથીયે બિરાજતાં અંબાજી માતાજીનાં મંદિરે પણ વર્ષ દરમ્યાન લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. દરમ્યાન છેલ્લા કેટલાક સમય થયા બનતા બનાવોને લઈને આ બંને ધર્મસ્થાનો ચર્ચામાં રહયા છે. ભવનાથ મંદિરનાં તત્કાલીન મહંત હરીગીરી સામે ગેરકાયદેસર નિમણૂંક સહીત અનેક પ્રકારનાં ગંભીર આક્ષેપો થયા હતા અને ભારે વિવાદ સર્જાયો હતો. હરીગીરીની મહંત તરીકેની મુદત પુરી થાય તેના એક દિવસ પહેલા જ તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા અને ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન કાર્યરત થયું હતું. જયારે અંબાજી મંદિરનાં મહંત પૂ.તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંત પદ માટેની રીતસર લડાઈ ચાલી હતી જેને લઈને કલેકટર દ્વારા તાત્કાલીક અસરથી અંબાજી મંદિર ખાતે વહીવટદાર નિયુકત કરવામાં આવ્યા હતા. હાલ આ બંને ધર્મસ્થાનોમાં વહીવટદાર શાસન અમલમાં છે.
દરમ્યાન શિવરાત્રીનો મેળો ચાલુ વર્ષે સરકારશ્રીનાં માર્ગદર્શન હેઠળ ખુબ સારી રીતે ઉજવવામાં આવ્યો પરંતુ મેળાનાં અંતિમ દિવસ શિવરાત્રીનાં દિવસે મૃગીકુંડમાં કિર્તી પટેલે શાહી સ્નાન કર્યુ અને જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો તેના પડઘા માંડ સમ્યા ત્યાં અંબાજી મંદિરનાં ભંડાર રૂમમાંજ દારૂ, ચીકન પાર્ટીનો વિડીયો વાયરલ થયો તેમજ દાન પેટીની આવક સાથે ગેરરીતિ થતી હોવાનો પણ વિડીયો વાયરલ થયાની ઘટના બહાર આવતા ભાવિકોની લાગણી દુભાઈ હતી. જાે કે તપાસનાં અંતે જવાબદાર સામે પગલા ભરાયા છે. સોરઠનાં બંને મહત્વનાં ધર્મસ્થાનો ચર્ચામાં રહયા છે. હિન્દુ સમાજ અને લાખો શ્રધ્ધાળુઓની લાગણીને ઠેસ પહોંચે તેવા બનાવો તેમજ ધર્મસ્થાનોની ગરીમાને ઝાંખપ લગાડવાનાં થયેલા કૃત્ય સામે ભારે રોષ છવાયેલો છે અને આવું કોઈપણ કૃત્ય ચલાવી લેવાઈ જ નહીં તેવો સુર વ્યકત થઈ રહયો છે. દરમ્યાન ભવનાથ મહાદેવ મંદિર અને અંબાજી મંદિરમાં મહંતની નિમણૂંકનો પ્રશ્ન હાલ ખુબજ પેચીદો બની ગયો છે. અંબાજી મંદિરનાં મહંતની નિમણૂંક માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી. ૧૮ દાવેદારોએ અરજીઓ કરી હતી પરંતુ તાજેતરમાં દારૂ-ચીકન પાર્ટીનો બનાવ બહાર આવતા કલેકટર દ્વારા આ તમામ પ્રક્રિયા રદ કરી નાખવામાં આવી છે અને નવેસરથી અરજીઓ મંગાવવામાં આવે તેમ જાહેર કરાયું છે.
જૂનાગઢનું ભવનાથ તળેટી અને ગિરનાર ક્ષેત્ર એટલે ઈશ્વર સાથેનો સીધો સંપર્ક સાધી શકાય તેવું પવિત્ર વાતાવરણ સર્જાય છે તેવી પાવનકારી ભૂમિ ઉપર આવેલા ધર્મસ્થાનોએ દર્શન માટે ભાવિકોનો સતત પ્રવાહ વહેતો રહયો છે. સોરઠનાં મહત્વનાં બંને ધર્મસ્થાનોની યોગ્ય જાળવણી, સંચાલન તેમજ અહીં દર્શને આવતા ભાવિકો માટે પણ સારી સુવિધા, પવિત્ર વાતાવરણ અને આધ્યાત્મિક વાતાવરણ બની રહે છે. ભવનાથ મહાદેવ અને અંબાજી મંદિરનું સુંદર સંચાલન થઈ શકે તે માટે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શન હેઠળ એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. અને ભવનાથ મહાદેવ તેમજ અંબાજી માતાજી મંદિરનો સુચારૂ અને પારદર્શક વહીવટ થઈ શકે તે માટે સ્પેશ્યલ ઓફીસરની નિમણૂંકથી લઈ આ બંને ધર્મસ્થાનોનું સંચાલન સરકાર હસ્તક રાખવામાં આવશે તેમજ મંદિરનાં મહંતની ખાલી પડેલી જગ્યા ઉપર યોગ્ય સંતની નિમણૂંક કરવામાં આવશે. આ સાથેજ સંચાલન સરકાર હસ્તક રાખવામાં આવશે. જયારે મંદિરના મહંત તરીકે નિમણૂંક પામેલા સંતને સેવા, પૂજાનો અધિકાર આપવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. ભવનાથ મહાદેવ અને અંબાજી મંદિરનાં મામલે ટુંક સમયમાં સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે.


