મિત્રાળા ખાતે ભાદર નદીનો તૂટેલો પાળો તાત્કાલિક સમાર કામ કરાતા ખેડૂતોને મોટી નુકસાનીમાંથી રાહત

મિત્રાળા ખાતે ભાદર નદીનો તૂટેલો પાળો તાત્કાલિક સમાર કામ કરાતા ખેડૂતોને મોટી નુકસાનીમાંથી રાહત

(પ્રતિનિધી દ્વારા)
ગોસા(ઘેડ) તા.11
પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના અંદરના ભાગે આવેલા મિત્રાળા ગામ પાસે ભાદર નદીનો પાળો કેટલીક જગ્યાએથી તૂટી જતા આસપાસના ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. પાળો તૂટવાના કારણે નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જવાની અને સેંકડો વીઘા ફળદ્રુપ જમીન ધોવાણ થવાની ભીતિ ઉભી થઈ હતી.
આ ગંભીર સમસ્યાને લઈ મિત્રાળા સહિત આસપાસના ગામોના ખેડૂતોએ રાણાવાવ- કુતિયાણાના લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ તાત્કાલિક સંબંધિત સરકારી તંત્રને સૂચના આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાળાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સમયસર શરૂ કરાયેલી કામગીરીના કારણે તૂટેલો પાળો ઝડપથી રીપેર થઈ ગયો હતો. જેના પરિણામે ખેડૂતોને થનારી મોટી આર્થિક નુકસાની અટકી ગઈ છે. જો સમયસર સમારકામ ન થયું હોત તો ચોમાસામાં વધુ વરસાદ પડતાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળીને સેંકડો વીઘા જમીન ધોવાઈ જવાની સંભાવના હતી.
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની સતત દેખરેખ અને તંત્રની ત્વરિત કામગીરીના કારણે હાલ ખેડૂતોમાં હાશકારાની લાગણી જોવા મળી રહી છે. વર્ષોની મહેનતથી તૈયાર થયેલી ખેતીલાયક જમીન બચી જતા ખેડૂતો અને ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.મિત્રાળા સહિત આસપાસના ગામોના ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પાળો રીપેર કરાવી આપતા અમે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના આભારી છીએ. જો આ કામગીરી સમયસર ન થઈ હોત તો અમારી સેંકડો વીઘા જમીન નદીમાં ધોવાઈ જાત અને ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડત.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ચૂંટાઈ આવ્યા ત્યારથી સતત વિસ્તારના ખેડૂતો અને સામાન્ય લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી રહ્યા છે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમની સક્રિયતા અને ખેવના ભાવને કારણે આજે પણ તેઓ લોકોના હૃદયમાં પારિવારિક સભ્ય સમાન સ્થાન ધરાવે છે.