મનપા બન્યાને બે દાયકા વિતી ગયા હોવા છતાં જૂનાગઢ શહેરમાં પ્રાથમીક સુવિધા પુરી પાડવામાં શાસકો નિષ્ફળ

મનપા બન્યાને બે દાયકા વિતી ગયા હોવા છતાં જૂનાગઢ શહેરમાં પ્રાથમીક સુવિધા પુરી પાડવામાં શાસકો નિષ્ફળ

જૂનાગઢ તા.૨૦
જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે દાયકા ઉપરાંતનો સમયગાળો વિતી ગયો હોવા છતાં જૂનાગઢ શહેર સમસ્યાઓનો ગઢ બનેલું રહયું છે. શુધ્ધ પાણી, રસ્તા, ગટર સહીતની પ્રાથમિક સુવિધા સહીતનાં સંખ્યાબંધ પ્રશ્નોથી આમ જનતા પીડાઈ રહી છે. લોકોને ઉચ્ચકક્ષાની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં શાસકો નિષ્ફળ રહયાની વ્યાપક  ફરીયાદો ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરને મહાનગરપાલિકાનો દરજજાે મળ્યાનાં રર વર્ષ કરતા વધારે સમય થયો છે. મનપાનું રૂપાંતર  થયું ત્યારે શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને હવે આ શહેરનો સર્વાંગી વિકાસ થવાનું સોનેરી સ્વપ્નું સેવવામાં આવ્યું હતું. પરંતુ  નગરજનોએ સેવેલા સ્વપ્ના હકીકતમાં ફેરવાયા નથી તે પણ એટલુંજ સત્ય છે.
મહાનગરનો બનેલા ગુજરાતનાં આઠ શહેરોમાંથી સાત મહાનગરોનો કુદકે ને ભુસકે વિકાસ થયો છે. અરે જૂનાગઢથી માત્ર ૧૦૦ કિલોમીટર દુર આવેલા રાજકોટ શહેરની જ વાત કરીએ તો છેલ્લા બે દાયકામાં રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ નજર સામે આવે છે. વેપાર -ઉદ્યોગ ક્ષેત્રે પણ રંગીલા રાજકોટએ ઉંચુ કદ પ્રાપ્ત કર્યુ છે. અમદાવાદ પછીના આર્થિક ક્ષેત્રે મજબુત શહેર તરીકે રાજકોટની ગણના થાય છે. રાજકોટ શહેરનાં રસ્તા ખુબજ સરસ છે. અન્ડરબ્રીજ, ઓવરબ્રીજનાં આયોજન પુર્વકનાં કામોને લઈને ટ્રાફીકની સમસ્યા પણ ઘટી છે.  આ સાથેજ ઝડપી વિકાસનો ગ્રાફ પણ ઉંચો રહયો છે. સૌરાષ્ટ્ર વાસીઓને માટે રાજકોટ શહેર સૌથી વધારે  ગમતીલુ શહેર બન્યું છે. અને લોકો ખાસ રાજકોટ ખાતે ફરવા જતા હોય છે. જયારે આપણા જૂનાગઢની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું પ્રવાસન ધામ તરીકે ઓળખાતા ઐતિહાસિક અને ધાર્મિક શહેર એવા જૂનાગઢ શહેર, ભવનાથ ક્ષેત્ર, ગરવો ગિરનાર સહીત ફરવા લાયક સ્થળો, ધાર્મિક સ્થળો અંગે ઐતિહાસિક વિકાસને લઈને દેશભરમાંથી પ્રવાસીઓ લાખોની સંખ્યામાં વર્ષ દરમ્યાન આવતા રહયા છે. અને જૂનાગઢને બેસ્ટ ફરવા લાયક સ્થળ તરીકે ઓળખતા આવ્યા છે. અહીં આવનારી પ્રવાસી જનતા જૂનાગઢ અને આસપાસનાં ઐતિહાસિક સ્થળો, ફરવા લાયક સ્થળો અને ધાર્મીક સ્થળોની મુલાકાત લઈ ખુશખુશાલ બની જાય છે અને અલૌકિક શાંતિનો અનુભવ કરે છે. તો આ સાથે જ જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાઓની હાલતને જાેઈને વ્યથા પણ ઠાલવતા રહયા છે.
ગુજરાત રાજયનાં અન્ય મહાનગરોને  શહેરી વિકાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમજ જૂનાગઢને પણ રાજય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં જૂનાગઢ વાસીઓને તો બિસ્માર અને ખાડાવાળા રસ્તાઓજ મળ્યા છે.  કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારે ફાળવી હોવા છતાં શહેરીજનોને વિકાસને બદલે માત્ર ને માત્ર બિસ્માર રસ્તાઓની ભેટ મળી છે. રૂપિયાતો પુરેપુરા ખર્ચાઈ જાય છે પરંતુ વિકાસના નામે શૂન્ય જેવી હાલત સર્જાઈ છે. જાે સત્તાધીશોએ આયોજનબધ્ધ રીતે રસ્તા સહીતની કામગીરી કરી હોત તો આજે બિસ્માર રસ્ત્ને બદલે જૂનાગઢ શહેરને  ટનાટન રસ્તાઓ મળ્યા હોત.!
છેલ્લા બે દાયકા ઉપરાંતથી જૂનાગઢમાં મહાનગરપાલિકાનું અસ્તિત્વ હોવા છતાયે નગરજનોને પીવાનું શુધ્ધ પાણી, બિસ્માર રોડ, રસ્તાઓ, ભુગર્ભ ગટરનાં લીધે શહેરના તમામ માર્ગો .પર ખાડારાજ જેવી સ્થિતી છે. પ્રાથમિક સુવિધાના સંખ્યાબંધ પ્રશ્નોથી  આમ જનતા પારાવાર હાડમારીનો સામનો મરી રહી છે. અને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં મનપાના ભાજપના શાસકો નિષ્ફળ રહયા હોવાનું છેડેડચોક બોલી રહી છે.  આમ, જૂનાગઢ શહેરને પ્રાથમિક સુવિધા વહેલી તકે પુરી પાડવાની માંગણી ઉઠવા પામી છે.