મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા ૮ની ધરપકડ
અમદાવાદ તા. ૧પ
ગુજરાત સરકારે હાલ સાયબર ગઠિયાઓને પકડી પાડવા માટે કમર કસી છે. સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ‘ દ્વારા ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવામાં આવી રહ્યા છે. ત્યારે રૂ. ૨૫૩ કરોડથી વધુના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢ સુધી પહોંચતા સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે.
તપાસની વિગતો અનુસાર દેશભરમાં ૯ એકાઉન્ટ પર અલગ અલગ ૩૬૦ ફરીયાદો નોંધાવવામાં આવી હતી. જેમાં ૨૫૩ કરોડની લેણદેણ કરાઇ હતી. ત્યારે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરવા જુનાગઢ સાયબર પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે. એક આરોપી હાલ જેલમાં ગુના હેઠળ છે. ઘરપકડ થયેલા આ આઠ આરોપીઓ ભાડે બેન્ક ખાતા આપતા હતા. જેમાં સાયબર ચાંચિયાઓએ કરોડોની રકમ જમા કરાવી હતી. આ રકમ અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી હેરાફેરી કરવામાં આવતી હતી.
સાયબર ચોરો ઓનલાઈન છેતરપિંડીના ઈરાદે લોકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે, સામાન્ય માણસને લાલચ આપી બેન્ક ખાતાની વિગત મેળવી ઈન્ટરનેટ બેંકિંગ શરૂ કરી તેના ખાતામાંથી રૂપિયાની મોટા પાયે હેરાફેરી કરતાં હોય છે. પોલીસે આલેખ ઉર્ફે પવન હિરાણી, જાવિદ પઠાણ, ભરત દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત ગરેજા, અલ્તાફ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ સોઢા, ચિરાગ સાધુ અને રક્ષિત કાછડીયાને પકડી સાયબર ચાંચિયાઓના નેટવર્કના મૂળ સુધી જવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે કમિશન અથવા સાયબર ક્રાઈમમાં ટકાવારીમાં બેન્ક ખાતાઓ ભાડે અપાય છે. આ સાથે પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે કોઈપણ અન્ય વ્યક્તિઓને બેંક એકાઉન્ટની માહિતી અથવા કીટ આપવી નહીં. જાે કોઈ લોકો લાલચ આપી બેન્ક એકાઉન્ટની માહિતી એકઠી કરવાનો પ્રત્યન કરે તો પોલીસને જાણ કરવી જાેઈએ.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ‘ ચલાવવામાં આવી રહ્યું છે, ઓનલાઈન છેતરપિંડી માટે નાણાં હેરફેર કરવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, એટલે કે પોતાના ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચીટર લોકોને તે ખાતું ઓપરેટ કરવા માટે સોંપી દે છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાંથી આવું એક એકાઉન્ટ મળી આવ્યું છે, જેમાં બે ખાતેદારો દ્વારા રૂપિયા ૧૪.૮૦ લાખની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે મામલે સરકાર પક્ષે પોલીસ હેડ કોન્સ્ટેબલ રિતેશ કુબાવત ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ દ્વારા બ્રિજેશ રમેશભાઈ સોરઠીયા તેમજ અક્ષય જાેશી સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૨૦ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં ૪૪ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જે સમગ્ર પ્રકરણની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.


