યુનોની એજન્સી અને બ્રિટનનાં હવામાન વિભાગનાં અહેવાલમાં ગંભીર ચેતવણી

આગામી પાંચ વર્ષ ગરમી હાહાકાર મચાવશે : તમામ રેકોર્ડ તુટી જશે

યુનોની એજન્સી અને બ્રિટનનાં હવામાન વિભાગનાં અહેવાલમાં ગંભીર ચેતવણી

(એજન્સી) સંયુક્ત રાષ્ટ્ર,તા.29 
સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી અને બ્રિટનના હવામાન વિભાગ મેટ ઓફિસના નવા રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આવનારા પાંચ વર્ષમાં દુનિયાનું સરેરાશ તાપમાન રેકોર્ડ સ્તરની નજીક પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ, આર્કટિક ક્ષેત્રમાં તાપમાન દુનિયાના બાકીના હિસ્સાની સરખામણીમાં ઘણી ઝડપથી વધશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સરેરાશ તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તર એટલે કે 1850-1900ની સરેરાશ કરતા 1.3 ડિગ્રી સેલ્સિયસથી 1.9 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારે રહી શકે છે. બ્રિટનની મેટ ઓફિસના વૈજ્ઞાનિક મેલિસા સીબુકે કહ્યું કે હવે સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે પૃથ્વી સતત ગરમ થઈ રહી છે અને વૈશ્વિક તાપમાન સતત વધી ગયું છે. રિપોર્ટમાં આ વર્ષે શિયાળા દરમિયાન મજબૂત અલ નીનો બનવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જે 2027સુધી ચાલુ રહી શકે છે. અલ નીનો પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ હિસ્સામાં સમુદ્રની સપાટીના તાપમાનમાં વધારાની સ્થિતિ હોય છે.
આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષોમાં કોઈ એક વર્ષ 2024 કરતા પણ વધારે ગરમ હોઈ શકે છે. 2024ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ માનવામાં આવ્યું હતું. જ્યારે પહેલીવાર વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું હતું. જાેકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ એક વર્ષ માટે 1.5 ડિગ્રી સીમા પાર થવાનો અર્થ એ નથી કે પેરિસ કરાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આ લક્ષ્ય 20 વર્ષના સરેરાશ તાપમાન પર આધારિત છે. પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દુનિયા જેટલી ઝડપથી ગરમ થઈ રહી છે. આ સીમા વારંવાર પાર થવાની સંભાવના એટલી જ વધતી જશે.