રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ

મહાનુભાવોના હસ્તે "ર્નિમળ ગુજરાત અભિયાન" અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ

રાજકોટ તા.૧૭ 
ઉપલેટા નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતમાં પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં સફાઈ કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી. હરદીપસિંઘએ ઉપસ્થિત સફાઈ કામદારોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબ અને વંચિત એવા વાલ્મિકી સમાજના આર્થિક અને સામાજિક ઉત્કર્ષના લક્ષ્ય સાથે કામગીરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સફાઈ કર્મચારી આયોગ કાર્યરત છે, તેમ જણાવી હરદીપસિંઘએ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેમનો સકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો. મિટિંગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા અંગે રજૂઆત કરવામાં આવતા વાઈસ ચેરમેનશ્રીએ ખાલી જગ્યાઓ પર ઝડપથી ભરતી કરવા સૂચના આપી હતી. વધુમાં, સફાઈ કર્મચારીઓનો હેલ્થ ઇન્સ્યોરન્સ, સેફટી કીટ અને બ્લડ ગ્રુપ સાથેના આઈકાર્ડ ઇસ્યુ કરવા માટે નગરપાલિકાને હરદીપસિંઘે સૂચના આપી હતી. ગીલે આવાસવિહોણા સફાઈ કર્મચારીઓને પી.એમ. આવાસ યોજના અંતર્ગત મકાન લેવા માટે અનુરોધ કર્યો હતો. બેઠકમાં મહાનુભાવોના હસ્તે "ર્નિમળ ગુજરાત અભિયાન" અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ બેઠકમાં ધોરાજી પ્રાંત અધિકારી નાગાર્જુન તરખાલા, સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર, ધોરાજી ચીફ ઓફિસર જયમાલ મોઢવાડિયા, ઉપલેટા ચીફ ઓફિસર ઉદય નસીત, પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સફાઈ કામદારો જોડાયા હતા.