વેરાવળના સીમાડે રહેણાંક વિસ્તારમાં સિંહ પરીવાર લટાર મારતા જોવા મળ્યા

સાંઈબાબા મંદિર પાછળ રાત્રે ચાર સિંહોનાં આગમનથી રહીશોમાં ભયની લાગણી પ્રસરી

વેરાવળના સીમાડે રહેણાંક વિસ્તારમાં સિંહ પરીવાર લટાર મારતા જોવા મળ્યા

વેરાવળ તા.ર૩
વેરાવળમાં ફરી એકવાર સિંહ પરીવાર આવી ચડતા ચકચાર પ્રસરી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો ર્નિભય રીતે આંટાફેરા મારતા નજરે પડ્યા હતા. મળતી માહિતી મુજબ બે સિંહણ અને બે બાળ સિંહો શહેરની ભાગોળે સાંઈબાબા મંદિરથી ડારી જવાના મુખ્ય માર્ગ પર બિન્દાસ દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. આ રસ્તા પરથી પસાર થતા એક બાઈક ચાલકે આ અદભૂત પણ ચિંતાજનક દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ચર્ચા અને ભય ફેલાયા છે. સાંઈબાબા મંદિર પાછળનો વિસ્તાર ગીચ રહેણાંક ધરાવે છે. રાત્રિના સમયે અચાનક સિંહો દેખાતા સ્થાનિક રહીશો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ ઘરની છત અને બારણાંમાંથી સાવજોની ચાલચલન નિહાળી, તો કેટલાકે તરત જ વનવિભાગને જાણ કરી હતી.  સદનસીબે કોઈ માનવજીવ સાથે ઘર્ષણની ઘટના સામે આવી નથી પરંતુ શહેરની અંદર સિંહોનું આગમન હવે ચિંતાનો વિષય બની રહ્યું છે. વનવિભાગના સૂત્રો જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યા વધતા અને વિસ્તરણ ક્ષેત્ર વધતા તેઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે તેઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને નજીકના ગામો અને શહેરોની સીમાઓ સુધી આવી પહોંચે છે. વેરાવળ શહેર ગીર જંગલ વિસ્તારમાંથી બહુ દૂર નથી. જેના કારણે આવી ઘટનાઓ વારંવાર નોંધાઈ રહી છે. જો કે, ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. રહીશોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકોને બહાર ન મોકલવા અને કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. વેરાવળ શહેરમાં સાવજોની વધતી આવનજાવન હવે માનવ અને વન્યજીવન વચ્ચેના વધતા સંસર્ગનો જીવંત ઉદાહરણ બની રહી છે. સુરક્ષા અને સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું હવે તંત્ર માટે મોટી પડકારરૂપ બાબત બની છે.