વેરાવળમાં ગુનાખોરી આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ચાર સાગરીતોની ધરપકડ કરાઈ 

શરીર અને મિલકત સંબંધી ગુનાઓ સહિત NDPS, પ્રાણી ક્રૂરતા અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવણીનો આક્ષેપ  : ગેંગ લીડર સહિત પાંચ સામે કાર્યવાહી, ચાર આરોપીઓ પોલીસની પકડમાં અને બાકી એકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી

વેરાવળમાં ગુનાખોરી આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ચાર સાગરીતોની ધરપકડ કરાઈ 

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૨૪
વેરાવળ પ્રભાસ પાટણ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી અલગ-અલગ પ્રકારના ગુનાઓ આચરતી ટોળકી સામે ગુજસીટોક એક્ટ-૨૦૧૫ હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ગેંગ લીડર સહિત પાંચ પૈકીના ચાર આરોપીઓને પોલીસે હસ્તગત કર્યા છે. જ્યારે મુખ્ય ગેંગ લીડર સહિત એક આરોપીને પકડવાનો બાકી હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકીના સભ્યો સામે મારામારી, રાયોટિંગ, લૂંટ, ઘરફોડ ચોરી, સાદી ચોરી, નુકસાન પહોંચાડવું, હથિયારધારા ભંગ, ગેરકાયદે ગૌવંશની ચોરી તથા કતલ, પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા, પ્રોહિબિશન અને NDPS એક્ટ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટના ભંગના ગુનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસના આક્ષેપ મુજબ, ટોળકીના સભ્યો એકબીજાની મદદથી સંગઠિત રીતે ગુનાઓ આચરી આર્થિક લાભ મેળવતા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં પોતાનું નેટવર્ક ઊભું કર્યું હતું. ગુનાહિત ઇતિહાસ અને એકત્રિત કરવામાં આવેલી વિગતોના આધારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૦૩૧/૨૦૨૬ હેઠળ GUJCTOC એક્ટની કલમ ૩(૧)(ii), ૩(૨) અને ૩(૪) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની યાદીમાં સોહીલ ઉર્ફે ચક્કી મુસ્તાકભાઈ કુરેશી (ઉં.વ. ૨૨)ને ટોળકીનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવ્યો છે. તેના નામે ૨૨ ગુનાઓનો ઉલ્લેખ છે. આ ઉપરાંત આદિલ ઉર્ફે વાંદરી અનવરભાઈ શેખ (ઉં.વ. ૨૩) સામે ૧૦, અસ્પાક ઉર્ફે ગાદલો હનીફભાઈ પંજા (ઉં.વ. ૨૩) સામે ૧૦, અલ્ફાઝ ઉર્ફે શૂટર આમદભાઈ સુમરા (ઉં.વ. ૨૦) સામે ૬ અને સુફિયાન સલીમભાઈ વોરા (ઉં.વ. ૨૮) સામે ૩ ગુનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આંકડા પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ છે અને તમામ ગુનાઓમાં દોષિત ઠર્યા હોવાનો અર્થ કરતા નથી. આ ગુનાની વધુ તપાસ વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સંગઠિત ગુનાખોરી સામેની આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વોમાં કડક સંદેશ જવાનો પોલીસનો અભિગમ છે.