કુતિયાણાના ટીંબીનેશમાંથી ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયું
ટીંબીનેશમાંથી ૩૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો સ્કીમ મિલ્ક પાઉડર અને પામોલીન તેલના ૧૪ ડબ્બા સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સ પકડાયો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ), તા.રર
કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ટીંબીનેશ ગામમાં પોરબંદર એલ.સી.બી.એ ભેળસેળયુક્ત તથા શંકાસ્પદ દૂધ તૈયાર કરી સંગ્રહ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ દૂધ સહિત દૂધમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતી સામગ્રી કબજે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા ઈસમો સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત એલ.સી.બી. ટીમ દ્વારા બાતમીદારોને સક્રિય કરી ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલી બાતમીના આધારે ટીંબીનેશ રબારીકેડા, જય માતાજી દૂધની ડેરી પાસે રહેતા સરમણ ગોગનભાઈ કોડીયાતરના રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સ્થળ પરથી આશરે ૩૦ લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. તેમજ દૂધ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા સ્કીમ મિલ્ક પાઉડરના ૨૫-૨૫ કિલોના બે ભરેલા બાચકા તથા ૨૫-૨૫ કિલોના બે અડધા ભરેલા બાચકા મળી કુલ ૭૫ કિલો મિલ્ક પાઉડર, ઉપરાંત પામોલીન તેલના ૧૪ ડબ્બા તથા દૂધમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતી અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. પોલીસે તાત્કાલિક ફૂડ સેફટી ઓફિસર વી.જે. ભાટુને જાણ કરતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ દૂધના જરૂરી નમૂનાઓ તપાસ માટે કબજે કર્યા હતા. સ્થળ પર મળી આવેલ બનાવટી દૂધનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય સામગ્રી કબજે કરી સરમણ ગોગનભાઈ કોડીયાતર વિરૂધ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. દ્વારા અગાઉ પણ કીતિર્મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા કુંભારવાડામાંથી બનાવટી ઘી તૈયાર કરી વેચાણ કરવાની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. ઉપરાંત કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા સામે આવેલા વાડામાંથી ગેરકાયદેસર રીતે બનાવટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તૈયાર કરતી ફેક્ટરી ઝડપી પાડી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રી અને સાધનો કબજે કરવામાં આવ્યા હતા. આમ, પોરબંદર એલ.સી.બી. દ્વારા પરંપરાગત ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપરાંત નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના ઉત્પાદન તથા વેચાણ જેવી લોકોના આરોગ્યને સીધી અસર કરતી પ્રવૃત્તિઓ સામે પણ સતત નજર રાખી અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


