વિસાવદરને મળશે બાયપાસ રોડ, પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ.૨૦ કરોડ મંજૂર

જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ અને DPR સહિતની બાંધકામ પૂર્વ કામગીરી હાથ ધરાશે; શહેરના ટ્રાફિક ભારણમાં ઘટાડો કરવાનો હેતુ

વિસાવદરને મળશે બાયપાસ રોડ, પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ.૨૦ કરોડ મંજૂર

જૂનાગઢ તા.10
જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બાયપાસ રોડ નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર શહેર ફરતે બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સુધી બાયપાસ રોડ બનાવવા માટે પ્રથમ તબક્કાની બાંધકામ પૂર્વ પ્રવૃત્તિઓ માટે રૂ.૨૦ કરોડની મંજૂરી આપી છે.
વિસાવદર બાયપાસ રોડ બનાવવા માટે સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ.૨૦ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
આ રકમનો ઉપયોગ બાયપાસ રોડના વાસ્તવિક બાંધકામ પહેલાં જરૂરી જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ, ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે DPR તૈયાર કરવા સહિતની વિવિધ કામગીરી માટે કરવામાં આવશે.
વિસાવદર આસપાસ સતાધાર યાત્રાધામ, સાસણગીર, પૌરાણિક કનકેશ્વરી મંદિર, રામપરા ખાતેના રૂપલમાં ધામ અને નાગબાઈ મંદિર તેમજ સરસઈ ખાતે સંત શ્રી રોહીદાસ મંદિર સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળો આવેલા છે. આ સ્થળોની મુલાકાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવતા હોવાથી વિસાવદર શહેરમાંથી પસાર થતા વાહનોની સંખ્યામાં વધારો જોવા મળે છે.
આ ઉપરાંત અમરેલીથી સોમનાથ તરફ જતો મુખ્ય માર્ગ પણ વિસાવદર શહેરમાંથી પસાર થાય છે. બગસરા, જેતપુર, ધારી, સાવરકુંડલા, સતાધાર, જૂનાગઢ, મેંદરડા અને કેશોદ તરફ જતા સ્ટેટ હાઇવેના વાહનવ્યવહારને કારણે પણ શહેરના માર્ગો પર ટ્રાફિકનું ભારણ રહે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસાવદર ફરતે બાયપાસ રોડની જરૂરિયાત લાંબા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે રૂ.૨૦ કરોડની મંજૂરી મળતાં પ્રથમ તબક્કાની બાંધકામ પૂર્વ કામગીરી આગળ વધશે. બાયપાસ રોડ તૈયાર થયા બાદ શહેરમાંથી પસાર થતા વાહનોને વૈકલ્પિક માર્ગ મળવાથી વિસાવદરના શહેરી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.