સોમનાથ સાંનિધ્યે પવિત્ર ત્રિવેણી સંગમ તટે પક્ષીઓની નયનરમ્ય સુગરી કોલોની
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ તા.15
સોમનાથ-પ્રભાસ પાટણનાં પવિત્ર ત્રિવેણી સંગમ સાનિધ્યે સુર્યમંદિર પરિસરમાં જળમય ઉંડી વાવ ઉપરના વૃક્ષે સુગરી પક્ષીઓએ પોતાના સુંદર માળા ઝાડની ડાળી ઉપર ઝુલતા રાખી વસવાટ કરે છે.
સુગરી એ ચકલી જેવું પક્ષી છે. તેઓ નોખી-નોખી વૃક્ષની ડાળીઓમાં વસવાટ આ જ સ્થળે કરતા રહે છે. માળા પણ નવા નિર્માણ થતા રહે છે. સુગરીનો આ માળો પ્યાલા આકારનો હોય છે. જેની અલૌકિક ગુંથણી કળા એટલી કુશળતાથી ભરપુર હોય છે કે, એ માળામાં ત્રણ માળાના મકાન જેવી અલગ-અલગ બખોલ હોય છે.
માળો બનાવતી વખતે ઘાંસ અને પાંદડાઓ અને રેષા ગુંથી-ગુંથીને એવી કુશળતાથી બનાવાય છે કે એક કીડી પણ પણ તેમાં પ્રવેશી ન શકે. તો ગમે તેટલો વરસાદ પડે તો પણ વરસાદનું ટીંપુ માળાની અંદર ન જાય. સ્થળની પસંદગી પણ એવી રીતે કરાય છે કે વૃક્ષની ડાળીઓની નીચે વાવ-કુવો કે જળાશય હોય કે જેથી સાપ પણ તેના બચ્ચાઓને મારી ન શકે અને માળા તળીયામાં થોડી માટી પણ ભરી દે જેથી પવનમાં હલબલ ન થાય.
સુગરીનો માળો નર જ બનાવે અને બનાવતી વખતે ચીવીજ.. ચીવીઝ.. જેવી સીટી વગાડી વાતાવરણમાં ઉત્સાહ પ્રેરાય છે. જે નરનો માળો સારો બન્યો હોય તેની સાથે સુગરી સંબંધ બાંધે છે. સુગરી વૈશ્વિક સ્તરે પક્ષીઓની જાતમાં આર્કીટેક એન્જીનીયરની ઓળખ ધરાવે છે.
નર સુગરી ખુબજ ચતુરાઈ પુર્વક માળાનું સર્જન કરે છે. સુગરી માળો બનાવતી વખતે ઝાડની ડાળીનો છેડો એટલા માટે પસંદ કરે છે કે તેના માળામાં સાપ જેવા ઘાતક જીવ પહોંચી ન શકે. સુગૃહી પક્ષીનું નામનો અર્થ સુગરી એટલે સારૂં ઘર બનાવનાર તરીકે ઓળખાય છે. સો વાતની એક વાત તેનો બનાવેેલો માળે સૌંદર્યલક્ષી, રક્ષણાત્મક, બારીક ગુંથણી અને અદ્ભુત વણાટ શક્તિનો શ્રેષ્ઠ કુદરતી વરદાન સમો છે.


