બોસન ગામની વાડીમાંથી અંદાજે ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ

વન વિભાગની ટીમે સફળતાપૂર્વક અજગરને પકડી મહોબતપરા અનામત જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો

બોસન ગામની વાડીમાંથી અંદાજે ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.ર૩
સુત્રાપાડા તાલુકાના બોસન ગામમાં આવેલી એક વાડીમાંથી અંદાજે ૯ ફૂટ લાંબો અજગર મળી આવતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાડીમાં અજગર દેખાતા વાડી માલિક દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે જરૂરી સાવચેતી અને તકેદારી સાથે વાડીમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાબુભાઈ લાખાભાઈ ચાંડેરાની વાડીમાંથી અંદાજે ૯ ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે સાવધાનીપૂર્વક કામગીરી હાથ ધરી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. અજગરને રેસ્ક્યૂ કર્યા બાદ વન વિભાગની ટીમ દ્વારા તેને મહોબતપરા અનામત જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. અજગરને સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં છોડવામાં આવતા સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરીને આવકારી હતી. ચોમાસા દરમિયાન જંગલ તથા આસપાસના વિસ્તારોમાં સરિસૃપોની અવરજવર વધતી હોવાથી ખેતર, વાડી કે રહેણાંક વિસ્તાર નજીક અજગર કે અન્ય વન્યજીવ દેખાય તો લોકો જાતે તેને પકડવાનો કે હેરાન કરવાનો પ્રયાસ ન કરે અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી છે.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)