સાળંગપુર ખાતે પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું
બોટાદ તા.01
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે તા.01-05-2026, શુક્રવારના રોજ પૂનમ નિમિત્તે દાદાના દરબારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો,દાદાને વિશેષ રિયલ ડાયમંડનો મુકુટ, જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.
ઠાકોરજીને કેસર-ચંદનના વાઘા ધરવાયા હતા, સિંહાસનને ગુલાબ, સેવંતી અને ઓર્કિડ જેવા વિવિધ મિક્સ ફૂલોનો ઉપયોગ કરી અત્યંત કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. સવારે મંગળા આરતી 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી 07:00 કલાકે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આજે પૂનમનો દિવસ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુરધામ ખાતે ઉમટી પડી દાદાના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સાંજે 04:45 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 7:00 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.
ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી.







